ભારતીય શેરબજારમાં આજે મોટો કડાકો થયો છે.સેન્સેક્સ 740થી વધુ પોઈન્ટ ગગડીને 74,160 પર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી 50 પણ આશરે 250 પોઈન્ટના ઘટાડા સાથે 23,231 ની ઇન્ટ્રાડે સપાટીએ સરકી ગયો છે, જેના કારણે રોકાણકારોને શરૂઆતની મિનિટોમાં જ લાખો કરોડનું નુકસાન થયું છે.
BSEના ટોપ-30 શેરોમાંથી માત્ર 8 શેર જ મામૂલી તેજી સાથે કારોબાર કરી રહ્યા છે, જ્યારે 22 શેરમાં ઘટાડો નોંધાયો છે. બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા સ્ટીલના શેરમાં 2 ટકાથી વધુનો કડાકો બોલાયો છે. આ ઉપરાંત L&T, HDFC બેંક અને રિલાયન્સ જેવા હેવીવેઇટ શેરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં આવેલા અચાનક વેચવાલીના દબાણને કારણે બજારમાં વ્યાપક મંદી જોવા મળી છે. બીએસઈ (BSE) પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને આશરે 478 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ભારે ઘટાડાને કારણે માત્ર શરૂઆતની પાંચ મિનિટમાં જ રોકાણકારોના અંદાજે 6 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ દોઢ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન તથા યમનના હૂથી વિદ્રોહીઓ અને સાઉદી સમર્થિતદળો વચ્ચે સંઘર્ષ વધુ તીવ્ર બનતા બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત ફરી વધીને પ્રતિ બેરલ 109 ડૉલરને પાર પહોંચી ગઈ છે. 100 ડૉલરની આજુબાજુ ચાલી રહેલા બ્રેન્ટ ક્રૂડના ભાવ એક જ દિવસમાં ઉછળીને 109 ડૉલરની સપાટીને સ્પર્શી જતા આખી દુનિયામાં તેની અસર જોવા મળી હતી. આનાથી સપ્લાય શિથિલ થવાની અને વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાની દહેશત ઊભી થઈ છે, જેની સીધી અસર ભારતના જીડીપી ગ્રોથ અને કોર્પોરેટ કમાણી પર પડી શકે છે.
