ભાવનગર જિલ્લાના સિહોર-ધાંધળી વિસ્તારની રોલિંગ મિલોમાંથી ટ્રાન્સપોર્ટ મારફતે મોકલવામાં આવતા લોખંડના સળિયાની ચોરી કરી હોટલમાં ઉતારી વેચી નાખવાનું કૌભાંડ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. ભોજપરા પાસે આવેલી હોંકારો હોટલમાં ટ્રેલરમાંથી સળિયાના બંડલ ઉતારી ચોરી કરવામાં આવતી હોવાની જાણ થતાં રોલિંગ મિલના માલિકે પોલીસને જાણ કરી હતી, જેના પગલે વરતેજ પોલીસે ટ્રેલરચાલક અને હોંકારો હોટલના માલિકને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત થતી માહિતી ભાવનગર ની સિહોર જીઆઈડીસીમાં આવેલી સચદેવ સ્ટીલ પ્રોડક્ટ નામની રોલિંગ મિલના માલિક ધાર્મિકભાઈ હરેશભાઈ ધાણાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની કંપનીમાંથી જીજે-03-સીડબ્લ્યુ-2119 નંબરના ટ્રેલરમાં લોખંડના સળિયા ડિલિવરી માટે મોકલાયા હતા. ભોજપરા પાસે આવેલી હોંકારો હોટલ નજીકથી આ ટ્રેલર પસાર થતું હતું ત્યારે ટ્રેલરમાંથી સળિયાની ચોરી થતી હોવાનું તેમના મિત્ર વિજયભાઈ પરમારના ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે તાત્કાલિક વરતેજ પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફ તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર તપાસ કરતા ટ્રેલરચાલક મહેન્દ્રકુમાર કિસનારામ જાટ (રહે. મંડો કી ધાણી, સનાવડા, રાજસ્થાન) અને હોટલના માલિક સંજયસિંહ ઉર્ફે ભાણુભા પ્રધુમનસિંહ સરવૈયા (રહે. ભોજપરા) ની સંડોવણી સામે આવી હતી. પોલીસે તપાસ દરમિયાન હોટલની પાછળથી લોખંડના સળિયાના ચાર બંડલ શોધી કાઢ્યા હતા, જેમાં બે બંડલ 12 એમએમના અને બે બંડલ 4 એમએમના હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.સિહોરના ધાંધળી, નેસડા, નારી ચોકડી અને અઘેલાઈ વિસ્તારની કેટલીક હોટલોમાં ટ્રક ચાલકો પાસેથી ઓછા ભાવે સળિયાની ખરીદી કરી અન્ય લોકોને વેચવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે. જોકે, ચોરીનો જથ્થો ઓછો હોવાથી અગાઉ મિલમાલિકો ફરિયાદ કરવાનું ટાળતા હતા. આ બનાવના પંચનામા દરમિયાન હોટલ પાછળથી અંદાજે દોઢથી બે ટન લોખંડના પાટા, સળિયા અને એંગલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો અન્ય રોલિંગ મિલોમાંથી પણ ચોરી કરીને લાવવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા છે. જો પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, તો સળિયા ચોરીના અન્ય અનસુલઝાયેલા બનાવોનો પણ ભેદ ઉકેલાઈ શકે છે તેમ ફરિયાદી ધાર્મિકભાઈ ધાણાણી એ જણાવ્યું છે.
