2.5 લાખ શિક્ષકોના હિત રક્ષણ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને: ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનવાની ચીમકી
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આજે યોજાયેલી પ્રાંત સ્તરીય પ્રેસ વાર્તામાં વર્ષ 2010 પૂર્વે નિયુક્ત થયેલા સમગ્ર ભારતના અંદાજે 25 લાખ તથા ગુજરાતના 75 હજારથી વધુ શિક્ષકોના હિત સંરક્ષણનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. મહાસંઘે જણાવ્યું હતું કે તા. 23 ઓગસ્ટ 2010ની એનસીટીઈની TET સંબંધિત અધિસૂચના તથા સર્વોચ્ચ ન્યાયાલયના તા. 29 મે 2026ના ચુકાદાના અનુસંધાનમાં લાખો શિક્ષકોના સેવા હિતો, વરિષ્ઠતા, બઢતી અને અન્ય પ્રાપ્ત અધિકારો પર અસર થવાની સંભાવના ઊભી થઈ છે. મહાસંઘ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયનો સંપૂર્ણ સન્માન કરે છે, પરંતુ વર્ષ 2010 પહેલાં તત્કાલીન નિયમો અને લાયકાતના ધોરણો મુજબ કાયદેસર રીતે નિયુક્ત થયેલા શિક્ષકોના હક્કો અને હિતોનું રક્ષણ કરવું કેન્દ્ર સરકારની જવાબદારી હોવાનું માને છે.
મહાસંઘે કેન્દ્ર સરકાર સમક્ષ કાયદાકીય, નીતિગત અને વહીવટી સ્તરે તાત્કાલિક હસ્તક્ષેપ કરી આ શિક્ષકોના પ્રાપ્ત અધિકારોનું સંરક્ષણ કરવા માંગ કરી છે. સંગઠન દ્વારા આ મુદ્દે સંપૂર્ણપણે લોકશાહી અને બંધારણીય માર્ગે જ લડત લડવામાં આવશે. આ સંદર્ભે તા. 18 જૂન, 2026ના રોજ ગુજરાતના તમામ જિલ્લા મુખ્યાલયોએ મોટી સંખ્યામાં શિક્ષકો અને માતૃશક્તિ દ્વારા શાંતિપૂર્ણ ધરણા-પ્રદર્શન યોજવામાં આવશે તથા જિલ્લા કલેક્ટર મારફતે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
પ્રેસ વાર્તામાં રાજ્યના શિક્ષણક્ષેત્રના અનેક પડતર પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. મહાસંઘે જણાવ્યું હતું કે અગાઉની બે પ્રદેશ કારોબારી બેઠકોમાં ઉઠાવાયેલા પ્રશ્નોની લેખિત રજૂઆત રાજ્યના શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ હકારાત્મક ચર્ચા કે નિર્ણય લેવાયો નથી.
મહાસંઘની રાજ્ય સરકાર સમક્ષ મુખ્ય માગણીઓ
રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ક્રમિક તથા કાયમી ભરતી પ્રક્રિયા શરૂૂ કરવામાં આવે. કાયમી ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી મંજૂર મહેકમ અનુસાર પૂરતી સંખ્યામાં જ્ઞાન સહાયકો અને ખેલ સહાયકોની નિમણૂંક કરવામાં આવે તથા જરૂૂરી હોય ત્યાં સંબંધિત ઠરાવોમાં સુધારો કરવામાં આવે. તા. 01-04-2005 પહેલાં નિમાયેલ અને જૂની પેન્શન યોજનાની પાત્રતા ધરાવતા નિવૃત્ત શિક્ષકો તથા કર્મચારીઓને તાત્કાલિક પેન્શનનો લાભ આપવામાં આવે તેમજ બાકી રહેલા ૠઙઋ ખાતા ખોલવાના આદેશો ત્વરિત કરવામાં આવે. શિક્ષણ ક્ષેત્રના વિવિધ નવ સંવર્ગોને લગતા સંગઠન દ્વારા રજૂ કરાયેલા મુખ્ય પડતર પ્રશ્નોનો સમયબદ્ધ અને હકારાત્મક ઉકેલ લાવવામાં આવે. મહાસંઘે ચેતવણી આપી છે કે જો આ પ્રશ્નોના ઉકેલ માટે સરકાર તરફથી યોગ્ય અને સમયસર કાર્યવાહી નહીં થાય તો તા. 28 જૂન, 2026ના રોજ રાજકોટ ખાતે યોજાનારી પ્રાંત કારોબારી બેઠકમાં આગામી રાજ્યવ્યાપી અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.
