અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ સામે કોઇ કેસ-કાર્યવાહી નહીં કરવાનો સરકારે નિર્ણય લીધો છે. પરંતુ પોલીસે આ ગુજરાતીઓને ગેરકાયદેસર રીતે અમેરિકા લઇ જનાર એજન્ટોની માહિતી માટે તેમના નિવેદનો નોંધવાનુ શરૂ કર્યું છે. જો કે, અમૂક લોકો પરિવાર સાથે ગુમ થઇ ગયા હોવાનુ જાણવા મળે છે.
USથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં માણસા અને કલોલ શહેરના વ્યક્તિઓ પણ હતાં. તેઓ આજે સવારે પોલીસ સાથે તેમના ઘરે પહોંચ્યા હતાં, પરંતુ પરિવાર સાથે કોઇ સલામત સ્થળે પહોંચી ગયા હોવાથી પડોશી કે ગામ-વિસ્તારના કોઇ વ્યક્તિ સાથે તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો અને અનિચ્છનિય સ્થિતિમાં પાછા આવવુ પડ્યુ હોવાથી તેમના પરિવારજનોની હાલત હકીકત કહેવાની કે નિવેદન આપવા જેવી ન હોવાનું જાણવા મળે છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર રીતે યુએસમાં ઘૂસણખોરી કરનારા લોકોને પરત મોકલવાની કાર્યવાહી શરૂૂઆત કરી દીધી છે. બુધવારે લશ્કરી વિમાન દ્વારા અમૃતસર એરપોર્ટ પર ઉતરેલા ભારતીયોમાં ઉત્તર ગુજરાતના 28 વ્યક્તિ હતા. તે તમામ લોકો આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા તેમને જે તે જિલ્લા પોલીસ તેમના વતનમાં મૂકવા રવાના થઇ હતી. માણસા તાલુકામાંથી પણ ચાર વ્યક્તિને પોલીસે તેમના ઘરે સલામત રીતે પહોંચાડ્યા હતાં.
પરંતુ આ તમામ લોકોના પરિવારજનો હાલ કોઈપણ નિવેદન આપવા તૈયાર નથી. તેમજ પરત આવનાર વ્યક્તિ પરિવાર સાથે ઘરને તાળું મારી ક્યાંક બહાર ગયા હોવાની માહિતી સામે આવી છે.
કલોલ અને કડી પંથકમાં ગેરકાયદે અમેરિકા મોકલવા અંગેના અનેક એજન્ટો કાર્યરત હોવાની ચર્ચા છે. ડિપોર્ટ થવાની સાથે હવે આ એજન્ટો પણ ગૂમ થઈ ગયા છે.