મધ્યાહ્ન ભોજન માટે ગેસની ફાળવણીને અગ્રતા આપવા રાજ્ય સરકારની તાકીદ

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ઊભી થયેલી એલપીજી ગેસની અછતની સીધી અસર શાળાઓના મધ્યાહન ભોજન પર ન પડે તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે.…

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ઊભી થયેલી એલપીજી ગેસની અછતની સીધી અસર શાળાઓના મધ્યાહન ભોજન પર ન પડે તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. પીએમ પોષણ યોજનાના કમિશનરે તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને પત્ર લખીને શાળાઓ અને સેન્ટ્રલાઈઝ્ડ કિચન માટે ગેસનો પુરવઠો કોઈપણ અવરોધ વિના અને પ્રાથમિકતાના ધોરણે પૂરો પાડવા સૂચના આપી છે.

પીએમ પોષણ યોજનાના સંયુક્ત કમિશનર એન.એસ. ગુપ્તા દ્વારા 13મી માર્ચના બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 અંતર્ગત આવે છે. બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકોને નિયમિત ભોજન પહોંચાડવું એ રાજ્ય સરકારની કાનૂની બાંહેધરીરૂૂપ ફરજ છે. આથી, કોઈપણ સંજોગોમાં શાળાઓમાં રસોઈ બંધ થવી જોઈએ નહીં.

પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટેનું ભોજન એલપીજી સિલિન્ડર પર રાંધવામાં આવે છે, જ્યારે એનજીઓ સંચાલિત શાળાઓમાં સેન્ટ્રલાઈઝ્ડ કિચન મારફતે ભોજન તૈયાર થાય છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે ગેસ સપ્લાયમાં અડચણો આવી રહી છે, ત્યારે ગેસ એજન્સીઓને પીએમ પોષણ યોજનાના કેન્દ્રોને અગ્રતા આપવા આદેશ અપાયો છે. જિલ્લા પુરવઠા અધિકારીઓને ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા જવાબદારી સોંપવામાં આવી છે. સેન્ટ્રલાઈઝ્ડ કિચન માટે જરૂૂરી ઇંધણના જથ્થામાં કોઈ વિઘ્ન ન પડે તે જોવાની તાકીદ કરી છે.

આ ગંભીર મુદ્દે શિક્ષણ વિભાગ અને અન્ન તથા નાગરિક પુરવઠા વિભાગના નાયબ સચિવોને પણ જાણ કરવામાં આવી છે. તમામ મહાનગરપાલિકાઓના નાયબ કલેક્ટરોને આદેશ અપાયો છે કે તેઓ સ્થાનિક સ્તરે ગેસ સપ્લાય પર દેખરેખ રાખે જેથી બાળકોના પોષણ પર કોઈ વિપરીત અસર ન પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *