કાલથી રાજ્યભરના તલાટીઓને મહેસૂલી કામગીરીમાંથી મુક્તિ, જોબચાર્ટ મુજબ બજાવશે ફરજ

રાજ્યના પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓની કામગીરીને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પંચાયત હસ્તકના તલાટીઓને મહેસૂલી કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી…

રાજ્યના પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓની કામગીરીને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પંચાયત હસ્તકના તલાટીઓને મહેસૂલી કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી દેવામાં આવી છે. આવતીકાલથી રાજ્યભરના પંચાયત તલાટીઓ સરકાર દ્વારા નક્કી કરાયેલા નવા જોબચાર્ટ અનુસાર જ પોતાની ફરજો અને કામગીરી સંભાળશે. સરકારના નવા આદેશ અનુસાર, પંચાયત હસ્તકના તલાટીઓ હવેથી માત્ર પંચાયતી અને ગ્રામીણ વિકાસને લગતા જ કામો હાથ ધરશે. જોબચાર્ટ અલગ થયા બાદ તલાટીઓ મહેસૂલી તમામ પ્રકારની જવાબદારીઓથી અળગા રહેશે. હવે તેઓ ગ્રામ પંચાયતનું સંચાલન, ગામડાઓનો વિકાસ, ગ્રામીણ કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ અને પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવેલા વિકાસલક્ષી કામો પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.

આ નિર્ણયના પરિણામે હવે પંચાયત તલાટીઓ મહેસૂલી પેઢીનામું બનાવવું, જમીન મહેસૂલની વસુલાત કરવી કે મહેસૂલને લગતા વિવિધ નમૂનાઓની કામગીરી કરી શકશે નહીં. અગાઉ સરકારે 15 ઓક્ટોબર સુધી તલાટીઓને મહેસૂલી કામગીરી સંભાળવા માટે સૂચના આપી હતી. આ મુદત પૂર્ણ થતાં જ, 17 ઓગસ્ટના રોજ નક્કી થયેલા નવા નિયમો મુજબ તલાટીઓને હવેથી કોઈપણ પ્રકારની મહેસૂલી ફરજ ન બજાવવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.

તલાટીઓના જોબચાર્ટ અલગ થવાથી ગ્રામીણ કક્ષાએ વહીવટી કામગીરી વધુ સુગમ અને ઝડપી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિકાસલક્ષી કામો પર ધ્યાન કેન્દ્રિત થવાથી ગ્રામીણ વિસ્તારોનો વિકાસ વધુ વેગવંતો બનશે. તલાટીઓ પરથી મહેસૂલી કામનો બોજ ઘટતાં પંચાયતી સેવાઓ વધુ પારદર્શક અને લોકો માટે સરળ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *