બીજી ટીમ માટે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટે કી ટક્કર
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) 2023-25ના પ્રથમ ફાઇનલિસ્ટની પુષ્ટિ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ રવિવારે સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવીને ડબલ્યુટીસી ફાઇનલમાં મજબૂત એન્ટ્રી કરી હતી. સેન્ચુરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 148 રનનો ટાર્ગેટ મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વખત ડબલ્યુટીસી ફાઇનલમાં જગ્યા બનાવી છે. વર્તમાન ચક્રમાં દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધીમાં 11 ટેસ્ટ મેચમાંથી સાતમાં જીત મેળવી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાની એક મેચ ડ્રો રહી હતી. દક્ષિણ આફ્રિકાની જીતની ટકાવારી વધીને 66.67 થઈ ગઈ છે.
હવે ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ માટેની લડાઈ રોમાંચક બની છે. ભારતની વર્તમાન જીતની ટકાવારી 55.88 છે જ્યારે ઓસ્ટ્રેલિયાની 58.89 છે. ડબલ્યુટીસી ફાઇનલમાં પહોંચવા માટે બીજી ટીમ માટે આ બંને ટીમો વચ્ચે રેસ થશે.
જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ટૂર પર 3-1થી જીત નોંધાવવામાં સફળ થાય છે તો તેને ટાઇટલ મેચમાં સીધી એન્ટ્રી મળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા માટે પોતાના દમ પર ફાઈનલમાં પહોંચવાની એકમાત્ર તક ઓસ્ટ્રેલિયા શ્રેણી છે. વર્તમાન ચક્રમાં ભારતે ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય કોઈની સામે ટેસ્ટ શ્રેણી રમવાની નથી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાને આવતા મહિને શ્રીલંકા પ્રવાસ પર બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ડબલ્યુટીસીના ત્રીજા ચક્રની ફાઇનલ લંડનમાં 11 થી 15 જૂન 2025 દરમિયાન રમાશે. અગાઉ ઈંગ્લેન્ડમાં પણ બે ફાઈનલ યોજાઈ હતી.
ભારતને બંને વખત ટાઇટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત 2021માં ન્યૂઝીલેન્ડ અને 2023માં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારી ગયું હતું.
