વેરાવળ શહેરમાં મોટા કોળી વાળા વિસ્તારમાં જુગાર કલબ પર દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ પર થયેલા હુમલા મામલે પોલીસે કાર્યવાહી કરી છે. તા.8 ના રાત્રીના બનેલી આ બનાવમાં ઝડપાયેલા 21 આરોપીઓને કોર્ટે માં રજૂ કરતા આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ સાત દિવસ ના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન સમગ્ર કાવતરું, હુમલામાં સામેલ અન્ય શખ્સો તથા જુગારના નેટવર્ક અંગે ઊંડી તપાસ હાથ ધરાનાર છે.
આ સમગ્ર મામલે જૂનાગઢ રેન્જના ડીઆઈજી પી રાજેન્દ્રસિંહ ચુડાસમા એ પણ કડક વલણ અપનાવ્યું છે. ડીવાયએસપી ની અધ્યક્ષતા માં SITની રચના કરવામાં આવી છે જેમાં બે PI, બે PSI તથા જરૂૂરી પોલીસ કર્મચારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરવામાં આવી છે. જ્યારે કેસમાં ફરજમાં બેદરકારીના આક્ષેપોને લઈને બે પી.આઇ. અને ત્રણ પી.એસ.આઇ. ને લીવ રિઝર્વ પર તથા ચાર કર્મચારીઓને આજરોજ ફરજ મોકુફ કરવામાં આવેલ છે. જેમાં એલ.સી.બી. ના ઇન્ચાર્જ પીઆઇ. એસ.વી. રાજપૂત, પી.એસ.આઇ. એચ.એલ. જેબલિયા, એ.સી. સિંધવ, વેરાવળ સિટી પીઆઈ. જે.એન. ગઢવી અને રામ ભરોસા પોલીસ ચોકીના પી.એસ.આઇ. પ્રજાપતિ સામે કાર્યવાહી થતાં સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
આ ઉપરાંત પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્રારા ચાર કર્મચારીઓમાં (1) નરવણસિંહ કાકુભા ગોહીલ, અના.એ.એસ.આઇ., (ર) અજીતસિંહ ગાંડાભાઇ પરમાર, અના.એ.એસ.આઇ., (3) નટુભા ભાભલુભા બસીયા, અના.પો.હેડ કોન્સ., (4) પ્રદિપસિંહ વાલાભાઈ ખેર, આ.પો.હેડ કોન્સ. ને ફરજ મોકુફ કરવામાં આવેલ છે.
તા.8 જુલાઈ ના રોજ એસ.એમ.સી ની ટીમે કોળી વાળા વિસ્તારમાં ચાલતી એક જુગાર કલબ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગારી અને સ્થાનિક લોકોના ટોળાએ પોલીસ ટીમને ઘેરી લઈને હુમલો કર્યો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે પોતાની અને ટીમની સુરક્ષા માટે એસ.એમ.સી. ના પી.એસ.આઇ. ને હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ બનાવને પગલે વિસ્તારમાં ભારે તંગદિલી નો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર બનાવ અંગે વેરાવળ પોલીસ માં બે અલગ-અલગ ફરિયાદ નોંધવામાં આવી છે.
જેમાં 40 નામ જોગ આરોપીઓ ઉપરાંત આશરે 200 લોકોના ટોળા સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રૂૂકાવટ, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ત્યારબાદ પોલીસે મહિલા અને પુરુષ સહિત અનેક આરોપીઓને ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટે કેસની ગંભીરતા અને તપાસની જરૂૂરિયાતને ધ્યાનમાં રાખીને 21 આરોપીઓને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. પોલીસ હવે હુમલામાં સામેલ અન્ય આરોપીઓ ની ઓળખ, હુમલાનું પૂર્વ આયોજન હતું કે નહીં, તેમજ સમગ્ર જુગાર રેકેટની કડીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે.
