રાજકોટમાં ચાંદીનો ભાવ 2,84,000ને પાર; આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 5279 ડોલર અને ચાંદી 94 ડોલર
ઇરાન અને અમેરિકા વચ્ચે સંભવિત યુધ્ધની પરિસ્થિતિ તેમજ પાકિસ્તાન- અફઘાન યુધ્ધની વચ્ચે ફરી એક વખત સોના-ચાંદીના ભાવમાં ભડકો જોવા મળ્યો હતો. વિશ્ર્વભરમાં શેર બજાર ક્રેસ થઇ રહ્યા છે ત્યારે સોનુ-ચાંદી ફરી હેવન તરીકે ઉભરી આવતા ફરી સોના-ચાંદીના ભાવ ફરી બેકાબુ બની રહ્યું છે.
ગઇકાલે ભારતમાં વાયદા બજાર બંધ આવ્યું ત્યારે ચાંદીમાં 15000 રૂા.નો વધારો નોંધાયો હતો. જયારે સોનામાં પણ ફરી તેજી જોવા મળી છે અને 2260રૂા.ના વધારા સાથે વાયદા બજાર બંધ જોવા મળ્યું હતું.
ગઇકાલે ચાંદીમાં રૂા.15000નો વધારો આવતા ચાંદી 274389 રૂા. પર બંધ આવી હતી. જોે કે એક સમયે ચાંદી 275918 સુધી પહોંચી હતી. રાજકોટની બજારની વાત કરીએ તો ચાંદી ચોરસાનો ભાવ 277520 અને શુધ્ધ ચાંદી 284370 સુધી જોવા મળી છે.
સોનામાં પણ છેલ્લા 20 દિવસથી અવિરત તેજી જોવા મળી રહી છે. સોનામાં ગઇકાલે રૂા.2260 નો વધારો આવતા સોનું 161971 પર બંધ આવ્યું હતું. ગઇકાલે સોનામાં જ 4000 રૂા.ની વધઘટ જોવા મળી હતી. સોનુ 158816 સુધી નીચે ગયા બાદ 162589 નો ઉચ્ચતમ ભાવ સુધી પહોંચ્યું હતું. રાજકોટની બજારમાં સોનાનો ભાવ 167660 પર જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની નવી ખરીદીના પગલે સોનુ 5279 ડોલર સુધી પહોંચી ગયું છે. જયારે ચાંદી પણ 94 ડોલર સુધી પહોંચી છે.
અમેરિકાનું શેર માર્કેટ પણ ક્રેશ, ડાઉ જોન્સ 800 પોઇન્ટ ઘટયો
ગઇકાલે ભારતીય શેર બજારમાં 1000 પોઇન્ટનું ગાબડુ પડયું હતું તો અમેરીકી બજારમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. ગઇકાલે પણ ડાઉ જોન્સમાં પણ ભારે અફડા તફડી જોવા મળી હતી. એક સમયે ડાઉ જોન્સ 850 પોઇન્ટ તુટયો હતો. જો કે બજાર બંધ થયું ત્યારે ડાઉ જોન્સ 521 પોઇન્ટ નીચે જોવા મળ્યો હતો. બીજી બાજુ નાસ્ડેક પણ 310 પોઇન્ટ ઘટયો હતો. જે બંધ આવ્યો ત્યારે 210 પોઇન્ટનો ઘટાડો સુચવતો હતો. ગઇકાલે અમેરીકામાં ફુગાવાનો જે રિપોર્ટ બહાર આવ્યો તેને શેર બજારમાં ચિંતા વધારી હતી અને માર્કેટ ક્રેશ થયું હતું. આની અસર સોમવારે ભારતીય શેર માર્કેટ પર પણ પડી શકે છે.
