શીખોનું સ્વાગત, હિન્દુઓનું નહીં, પાકિસ્તાને નનકાના સાહિબ જતા શ્રધ્ધાળુઓને રોકયા

ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની પૂર્વ સંધ્યાએ તીર્થયાત્રીઓના એક સમૂહની ખુશી તે સમયે ઝાંખી પડી ગઈ, જ્યારે તેમને વાઘા બોર્ડર પાર કર્યા પછી પણ પાકિસ્તાનમાં…

ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની પૂર્વ સંધ્યાએ તીર્થયાત્રીઓના એક સમૂહની ખુશી તે સમયે ઝાંખી પડી ગઈ, જ્યારે તેમને વાઘા બોર્ડર પાર કર્યા પછી પણ પાકિસ્તાનમાં આગળ વધતા અટકાવવામાં આવ્યા. સિખ જથ્થા સાથે પાકિસ્તાનમાં પ્રવેશ કરનારા હિંદુ શ્રદ્ધાળુઓને તમામ ઇમિગ્રેશન ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી પણ પાકિસ્તાની અધિકારીઓએ અચાનક રોકી દીધા હતા.

અહેવાલ મુજબ, દિલ્હી અને લખનૌના પરિવારો સહિતના હિંદુ શ્રદ્ધાળુઓને અપમાનિત થઈને પાછા ફરવું પડ્યું. પાકિસ્તાની અધિકારીઓએ સ્પષ્ટ જાહેરાત કરી કે નનકાના સાહિબમાં પવિત્ર સ્થળ માટે બસમાં માત્ર એવા જ લોકોને જવા દેવામાં આવશે, જેમના પ્રવાસ દસ્તાવેજોમાં સિખ દર્શાવેલું છે.

પાકિસ્તાની અધિકારીઓએ ભારતીય તીર્થયાત્રીઓ માટે કુલ 2,100થી વધુ વિઝાને મંજૂરી આપી હતી, પરંતુ સત્તાવાર સિખ સમૂહના ભાગ રૂૂપે માત્ર 1,796 લોકો જ સરહદ પાર કરી શક્યા. આશરે 300 યાત્રીઓને, જેમાં સિખ અને હિંદુ બંને સામેલ હતા, કથિત પ્રક્રિયાગત ખામીઓના કારણે પ્રવેશ નકારવામાં આવ્યો. જોકે, હિંદુઓનું કહેવું છે કે તેમની ધાર્મિક ઓળખના આધારે તેમને ખાસ કરીને અલગ કરીને રોકવામાં આવ્યા હતા.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, જે વ્યક્તિઓને રોકવામાં આવ્યા હતા, તેમાંના કેટલાક ભૂતકાળમાં પાકિસ્તાનમાં રહી ચૂક્યા હતા અને બાદમાં ભારતીય નાગરિકતા મેળવી હતી. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે આ લોકો કથિત રીતે તીર્થયાત્રાના હેતુથી નહીં, પરંતુ ભારતીય એજન્સીઓને જણાવ્યા મુજબ, તેમના પરિચિતોને મળવા માટે પાકિસ્તાન જવા માંગતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *