મહાશિવરાત્રીએ શિવકુમારની હાજરી: રાહુલની ચાપલૂસી કરનારા કોંગ્રેસનો વિનાશ નોતરશે

કોંગ્રેસમાં નહેરુ-ગાંધી ખાનદાનને કેન્દ્રસ્થાને રાખીને ચાપલૂસીનું એક કલ્ચર વિકસ્યું છે. આ કલ્ચરની પેદાશ એવા નેતા નહેરુ-ગાંધી ખાનદાનની ચાપૂલસીમાં એટલા ઓતપ્રોત છે કે તેમને બીજું કંઈ…

કોંગ્રેસમાં નહેરુ-ગાંધી ખાનદાનને કેન્દ્રસ્થાને રાખીને ચાપલૂસીનું એક કલ્ચર વિકસ્યું છે. આ કલ્ચરની પેદાશ એવા નેતા નહેરુ-ગાંધી ખાનદાનની ચાપૂલસીમાં એટલા ઓતપ્રોત છે કે તેમને બીજું કંઈ સૂઝતું જ નથી. ચાપલૂસી કરવાના અતિ ઉત્સાહમાં એ લોકોને પોતે શું લવારા કરે છે ને તેની શું અસરો પડશે તેનું પણ ભાન રહેતું નથી. ચાપલૂસીની આ માનસિકતાનો તાજો દાખલો કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી.કે. શિવકુમારની મહાશિવરાત્રિના કાર્યક્રમમાં હાજરી અંગે ઊભો કરાયેલો વિવાદ છે.

શિવકુમારે પોતે આ કાર્યક્રમમાં કેમ ગયા એ વિશે પણ સ્પષ્ટતા કરી જ છે કે, ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવે આવીને કોઈમ્બતુરમાં મહાશિવરાત્રીની ઉજવણી માટે આમંત્રત આપેલું તેથી પોતે ગયા હતા. શિવકુમારના કહેવા પ્રમાણે સદગુરુ જગ્ગી વાસુદેવ મૂળ કર્ણાટકના મૈસૂરના છે અને એક મહાન વ્યક્તિ છે. ઘણા લોકો તેમની ટીકા કરે છે પણ હું તેમના જ્ઞાન અને તેમનો પણ પ્રશંસક છું એટલે તેમના નિમંત્રણને માન આપીને ગયો હતો.
શિવકુમારના જવાબે સૌની બોલતી બંધ કરી દીધી હતી ત્યાં હવે મહાશિવરાત્રિના કાર્યક્રમને બહાને નવું તૂત વહેતું કરી દેવાયું. જે લોકોને શિવકુમારની મહાશિવરાત્રિના કાર્યક્રમમાં શિવકુમારની હાજરી સામે વાંધો છે તેમને લોકોને માનસ પર આવી વાતોની શું અસર પડે છે તેની ખબર જ -નથી. મહાશિવરાત્રિ હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે અને કરોડો હિંદુ તેમાં ઉત્સાહભેર ભાગ લે છે. શિવકુમાર પણ હિંદુ તરીકે ગયા એ બરાબર છે પણ કોંગ્રેસી નેતા તેનો વિરોધ કરે તેના કારણે એવી છાપ પડે છે કે, કોંગ્રેસીઓને હિંદુઓના તહેવારોમાં હાજરી સામે વાંધો છે. કોંગ્રેસની છાપ હિંદુ વિરોધી પહેલેથી છે અને ભાજપ તો એ છાપને પ્રબળ બનાવવા મથે જ છે કે જેથી હિંદુઓ કોંગ્રેસથી દૂર જાય.

શિવકુમાર સહિતના નેતા આ છાપ ભૂંસવા મથે છે તેથી હિંદુઓના કાર્યક્રમોમાં જાય છે ત્યારે કેટલાક નમૂના તેમના કર્યાકારવ્યા પર પાણી ફેરવી રહ્યાં છે. રાહુલની ચાપલૂસી કરવામાં અંધ એ લોકોને એટલું ભાન પણ નથી કે હિંદુ મતો નહીં મળે તો આ દેશમાં કોઈ રાજકીય પાર્ટી ટકી શકવાની નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *