ઉત્તર ગુજરાતની સૌથી મોટી બનાસ ડેરી પર શંકર ચૌધરીનો દબદબો કાયમ રહ્યો છે. એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાની સૌથી મહત્વની સહકારી સંસ્થા બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં તમામ 16 બેછકો પર શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો. મેન્ટેડ પ્રથાના વિરોધ વચ્ચે તથા આંતરિક જુથવાદ વચ્ચે શંકર ચૌધરીની જીત થઈ છે.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીમાં 15 બેઠક બિનહરીફ થયા બાદ 16મી દાંતા બેઠક પર બળવો થયો અને ચૂંટણી થઈ જો કે આ ચૂંટણીમાં પણ શંકર ચૌધરીની પેનલના ભાજપના મેન્ડેડ ધારી અમરત પરમારનો વિજય થતા ભાજપ સમર્થકોમાં જશ્નનો માહોલ છવાયો છે. બનાસ ડેરીમાં વધુ એક વખત વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છે.
દાંતા બેઠક પર ભાજપે અમરત પરમારને મેન્ડેડ આપતા વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડે ભાજપ મેન્ડેડ સામે બળવો કરતા દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 85 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો દાંતા બેઠક પર સો ટકા મતદાન થયું જ્યારે આજે વહેલી સવારે દાંતા બેઠકની ચૂંટણી પ્રક્રિયાને લઇ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મતગણતરી હાથ ધરાઈ જેમાં ભાજપના મેન્ટેડધારી અમરત પરમારને 55 મત મળ્યા તો બળવો કરનાર દિલીપસિંહ બારડને 30 મત જ મળતા ભાજપના મેન્ડેડધારી અમરત પરમારનો 25 મતોથી વિજય થયો છે. મતગણતરી કેન્દ્ર ઉપર બંને ઉમેદવારોના સમર્થકોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.
