ગુજરાત પોલીસે ત્રણ નોંધાયેલા પણ માન્યતા વગરના રાજકીય પક્ષો સામે ત્રણ એફઆઈઆર નોંધી છે. આયકર વિભાગની ફરિયાદ પર આ કેસ થયા છે. આરોપ છે કે આ પક્ષોએ કુલ લગભગ 1,870 કરોડ રૂૂપિયાના નકલી દાન લઈને સરકારી તિજોરીને 560 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યું. ત્રણેય પક્ષો 2017થી ગુજરાતમાં ચૂંટણી લડ્યા છે, પણ તેમના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થતી રહી છે.
સૌથી મોટો કેસ ભારતીય નેશનલ જનતા દળ (બીએનજેડી) સામે છે. એફઆઈઆર મુજબ પક્ષને 56,238 દાતાઓ પાસેથી 1,143.85 કરોડ રૂૂપિયા મળ્યા અને લગભગ 343 કરોડનું કર નુકસાન થયું. સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી (એસએપી) પાસે 519 કરોડ આવ્યા અને 155 કરોડનું નુકસાન થયાનો આરોપ છે. ગરીબ કલ્યાણ પાર્ટી પાસે 206.76 કરોડ આવ્યા અને લગભગ 62 કરોડનું નુકસાન થયાનું કહેવાય છે.
સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગર ઝોને 25 સપ્ટેમ્બરે છેતરપિંડી, કાવતરું, જાળસાજી અને નકલી કાગળના ઉપયોગના આરોપે કેસ નોંધ્યા.
આરોપ છે કે દાતાઓ બેંક દ્વારા પૈસા આપે, રસીદ લે અને આયકરમાં કાપ મેળવે. પછી કમિશન કાપીને બાકીની રકમ રોકડામાં પાછી આપવામાં આવે. નકલી હિસાબ અને યોગદાન અહેવાલ ચૂંટણી પંચને આપવામાં આવ્યાનો પણ આરોપ છે.
બીએનજેડીના કેસમાં પક્ષના પ્રમુખ સુરેન્દ્રકુમાર વિષ્ણુભાઈ ગજેરાને મુખ્ય આરોપી ગણાવ્યા છે. જનરલ સેક્રેટરી વિપુલ સોલંકી, ખજાનચી રોનકસિંહ ચાવડા અને સીએ આદિલ સૈયદનાં નામ પણ છે. એસએપીના કેસમાં મેહુલકુમાર ખત્રી, સુરેન્દ્રસિંહ તિવારી અને સીએ મુકુંદભાઈ રાઠોડનાં નામ છે. ગરીબ કલ્યાણ પાર્ટીના કેસમાં પ્રમુખ નીરજ કુમાર ક્ષત્રિય, સેક્રેટરી ધનંજય સિંહ રાજપૂત, ખજાનચી ધીરજ કુમાર ક્ષત્રિય અને ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં નામ છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે આઈટી વિભાગે લાંબી તપાસ કરીને ફરિયાદ આપી છે. હવે પુરાવા એકત્ર કરાશે, સંબંધિતોના સ્થળે શોધ થશે અને જરૂૂર પડે તો ખાતાં અને મિલકત અટકાવવાની કાર્યવાહી થશે. પક્ષોના સંપર્ક નંબર પર જવાબ મળ્યો નથી.
