શેર બજારમાં આજે ફરી સુનામી જોવા મળી હતી. રેઝિર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ તેમજ એફ.આઇ ની ભારે વેચવાલીને કારણે ભારતીય બજારમાં આજે કડાકા બોલી ગયા હતા. સેન્સેક્સ માં 1200 પોઇન્ટ અને નિફટી 400 પોઈન્ટ નો કડાકો બોલી ગયો હતો. તો મીડકેપ નિફ્ટી 100 માં પણ 1200 અંકનો મોટો ઘટાડો નોંધાયો હતો. આજે શેર બજાર ક્રેશ થતા રોકાણકારોના 10 લાખ કરોડ આજે હોમાય ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2023 માં સેન્સેક્સ 71 હજારની સપાટીએ પહોંચ્યો હતો. ત્યાર પછી આજે ફરી એક વખત સેન્સેક્સ એ 71500ની સપાટી તોડી હતી. અને 2023 ડિસેમ્બરના 71000ના લેવલ નજીક સેન્સેકસ પહોંચી ગયો છે.
બે દિવસથી શેરબજાર હોય કે એમસીએક્સ બજાર બંને જગ્યાએ કડાકાનો જ દોર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી હોય કે સોના કે ચાંદીની બંને જગ્યાએ કડાકો જ દેખાયો છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ ભડકો બોલાયો છે. જ્યારે ડોલર સામે રૂૂપિયો આજે ઐતિહાસિક રીતે 97 રૂૂપિયાના લેવલને પાર કરી ગયો છે જે ભારત માટે ચિંતાનો વિષય છે.
આજે સેન્સેક્સ ફરી એકવાર 72,638.70 પર ખુલ્યો હતો અને પછી 71,406.91 ની નીચલી સપાટી બનાવી હતી. એટલે કે આજે કુલ 1200 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે. બે દિવસમાં સેન્સેક્સની સ્થિતિની વાત કરીએ તો કુલ 1683 પોઇન્ટનો કડાકો અત્યાર સુધી થઇ ચૂક્યો છે.
નિફ્ટીમાં ગઇકાલનો કડાકો 171 પોઈન્ટનો રહ્યો હતો. જોકે આજે પણ નિફ્ટીમાં ભયાનક સ્તરે કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. નિફ્ટીમાં આજે 405 પોઈન્ટથી વધુનો કડાકો આવી ચૂક્યો છે. આજે નિફ્ટી 22,192.05 પર ઓપન થઇ હતી. નિફ્ટીમાં બે દિવસમાં જ કુલ 610 પોઈન્ટનો મસમોટો કડાકો બોલાઈ ચૂક્યો છે.
બીજી બાજુ ચાંદી બે દિવસમાં મસમોટો કડાકો બોલાઈ ગયો છે. ગઇકાલે ચાંદીમાં કુલ 4385 રૂૂપિયાનો કડાકો બોલાયો હતો. પછીથી થોડીક રિકવરી આવતા ચાંદી રાતે 2647 રૂૂપિયાના કુલ કડાકા પર બંધ થઇ હતી. ચાંદીનું ગઇકાલનું ક્લોઝિંગ 223561 રૂૂપિયા રહ્યું હતું.
જે આજે એક ઘડીએ ઉછાળા સાથે 224652 પર પહોંચી ગયું હતું. જોકે પછીથી કડાકો બોલાતા ચાંદી એકઝાટકે ગગડીને 220769 ની નીચલી સપાટીએ પહોંચી ગઇ હતી. એટલે કે આજે ચાંદીમાં કુલ 3883 નો કડાકો બોલાઈ ગયો હતો પરંતુ સમાચાર લખવા સુધીમાં ચાંદી થોડીક રિકવરી સાથે 2226 રૂૂપિયાના કડાકા સાથે 220935 રૂૂપિયાની સપાટીએ ટ્રેડ થઇ રહી હતી. જો કુલ કડાકાની અત્યાર સુધીની વાત કરીએ તો ચાંદી બે દિવસમાં 5000 રૂૂપિયાથી વધુ તૂટી ચૂકી છે. જ્યારે સોનું બે દિવસથી વધારે વધઘટ દર્શાવી રહ્યું નથી પરંતુ તેની કિંમત પ્રતિ દસ ગ્રામ દોઢ લાખની નીચે જ રહી છે. હાલમાં સોનાની કિંમત 149292 વાયદા બજાર પ્રમાણે ચાલી રહી છે.
બ્રેન્ટ ક્રૂડની વાત કરીએ તો હાલમાં તેની કિંમત 104 ડોલરના લેવલે પહોંચી ગઇ છે. આજે તેમાં સાડા ત્રણ ડોલરથી વધુની તેજી જોવા મળી છે. જેના કારણે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના એંધાણ સર્જાયા છે. જ્યારે બીજી બાજુ રૂૂપિયાએ તમામ રેકોર્ડ બ્રેક કરતાં આજે એક ડોલર સામે 97 રૂૂપિયાની સપાટી કૂદાવી દીધી છે જે મોંઘવારીનો વિસ્ફોટ થવા માટે એક મોટો સંકેત માની શકાય છે.
