કાશ્મીર પોલીસે 36 વર્ષે ચાર્જશીટ રજૂ કરતાં સરલા ભટ્ટ રેપ-હત્યા કેસ તાજો થયો

જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આરોપનામું દાખલ કરતાં દેશભરમાં 1990માં ખળભળાટ મચાવનારો સરલા ભટ કેસ ફરી ચર્ચામાં છે. આ કેસમાં પોલીસે આતંકવાદીમાંથી રાજકારણી…

જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આરોપનામું દાખલ કરતાં દેશભરમાં 1990માં ખળભળાટ મચાવનારો સરલા ભટ કેસ ફરી ચર્ચામાં છે. આ કેસમાં પોલીસે આતંકવાદીમાંથી રાજકારણી બનેલા અને હાલમાં તિહાર જેલમાં સળિયાં તપાવી રહેલા યાસિન મલિકને માસ્ટરમાઈન્ડ ગણાવ્યો છે અને તેના ઈશારે અપહરણ કરીને હત્યા કરાઈ હોવાનો આરોપ મૂક્યો છે. યાસિન મલિક એ વખતે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)નો મુખ્ય કમાન્ડર હતો ને તેણે સરલા ભટની હત્યાનું કાવતરું ઘડેલું જ્યારે બાકીનાંએ આ કાવતરાને પાર પાડેલું. શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS)માં નર્સ તરીકે કામ કરતી સરલાની એપ્રિલ 1990 માં, જમ્મુ અને કાશ્મીરમાં લિબરેશન ફ્રન્ટ (JKLF)ના મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયું હતું.

સરલા પર અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો, પાશવી સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની લાશને ફેકી દેવાઈ હતી. આતંકવાદીઓને શંકા હતી કે, સરલા ભારત સરકારની જાસૂસ છે અને ઈન્ડિયન આર્મીને આતંકવાદીઓ વિશે માહિતી આપતી હતી. આર્મીથી બચવા આતંકવાદીઓ હોસ્પિટલોમાં દર્દી બનીને પડ્યા રહેતા પણ આર્મીને ખબર પડી જતાં સરલાની હોસ્પિટલ પર ત્રાટકીને બે આતંકીને ઠાર મારેલા.

આ બાતમી સરલાએ આપી હોવાની શંકાથી 15 એપ્રિલે હોસ્ટેલમાં ઘૂસીને આતંકવાદીઓ તેને ઉઠાવી ગયેલા. ચાર દિવસ સુધી તેના શરીરને ચૂંથીને અવર્ણનિય અત્યાચારો ગુજાર્યા પછી તેના મૃતદેહને રસ્તા પર રઝળતો મૂરીને આતંકવાદી જતા રહ્યા. પોલીસને મૃતદેહ હાથ લાગ્યો પછી મૃતદેહને સરલાના પરિવારને સોંપાયો હતો. સરલા પર ગુજારાયેલા અત્યાચારો જોઈને પરિવાર હબકી ગયેલો. સરલાનાં અંગો કાપી નાખીને મૃતદેહને વિકૃત કરી દેવાયેલો અને તીક્ષ્ણ હથિયારથી શરીર પર (JKLF) કોતરવામાં આવ્યું હતું. અનંતનાગમાં સરલાના ઘરની આસપાસ મુસ્લિમ પરિવારો રહેતા હતા.

આતંકવાદીઓએ તેમને સરલાના પરિવારથી દૂર રહેવા કહેલું. સરલાના મોતના પગલે બીજા હિંદુ પરિવારો ભાગી ગયેલા તેથી પરિવાર સિવાય કોઈ અંતિમવિધિમાં હાજર નહોતું. આતંકવાદીઓએ સરલાના ઘર પર ગ્રેનેડ ફેંક્યા હતા. માંડ માંડ હિંમત કરીને પરિવાર અંતિમવિધિ માટે ગયો તો 200 કટ્ટરવાદીઓના ટોળાએ સ્મશાનમાં ઘૂસીને સરલાના પરિવારને ગાળો આપી હતી, મૃતદેહને ખેંચીને નીચે ફેંકી દીધો હતો અને કાશ્મીર છોડીને ભાગી જવા ચેતવણી આપેલી. હત્યા કોણે કરી, સરલાના મૃતદેહને વિકૃત કોણે કર્યો એ સ્પષ્ટ હતું છતાં પોલીસ કશું ના કર્યું. સરલા ભાટની હત્યા સામાન્ય ઘટના હોય એ રીતે થોડાક દિવસ તપાસનું નાટક કર્યું ને પછી આખો કેસ જ ભુલાવી દેવાયો. હવે 36 વર્ષે ચાર્જશીટ મૂકાયું ત્યારે સરલા સૌને યાદ આવી ખરી પણ કોઈનું લોહી ઉકળતું નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *