ભારતમાં સજાતીય સંબંધો સંવેદનશીલ મુદ્દો છે તેથી આ મામલે કશું પણ થાય તો તરત તેની ચર્ચા શરૂૂ થઈ જાય છે. સુપ્રીમ કોર્ટે સજાતીય લગ્નોને કાયદેસર નહીં કરવાના ચુકાદા અંગે ફેરવિચારણા કરવાની માગણી કરતી તમામ અરજીઓ ફગાવી દીધી એ સાથે જ આ મુદ્દો ફરી ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે 17 ઓક્ટોબર, 2023ના રોજ આપેલા ચુકાદામાં સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસરતા ના આપી શકાય એવો ચુકાદો આપ્યો હતો.
આ ચુકાદા પર ફેરવિચારણા કરવાની માગ કરતી ઢગલાબંધ અરજીઓ થઈ હતી, પણ સુપ્રીમે સાફ ઈનકાર કરીને આ પ્રકરણ પર પડદો ો પાડી દીધો છે. આ ચુકાદો પણ પાંચ જજની બેંચે જ આપ્યો છે ને તેમણે સાફ શબ્દોમાં કહ્યું છે કે, રેકોર્ડમાં કોઈ ખામી છે નહીં તેથી આ અરજીઓ ટકી શકે તેમ નથી. તેના કારણે સુપ્રીમ કોર્ટ સામે નારાજગી પણ વ્યક્ત થઈ રહી છે કેમ કે સુપ્રીમ કોર્ટે જ પહેલાં સજાતીય એટલે કે સમલૈંગિક સંબંધોને કાયદેસરતા આપેલી ને હવે સુપ્રીમ કોર્ટ સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસરતા નથી આપી રહી. લગ્નને કાયદેસરતાનો છેલ્લો રસ્તો પણ બંધ થઈ ગયો છે એ સ્પષ્ટ છે કેમ કે કેન્દ્ર સરકાર કોઈ સંજોગોમાં સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસરતા આપવાનો ખરડો પસાર કરવાની નથી.
કેન્દ્ર સરકારની દલીલ હતી કે, તમામ ધર્મોમાં લગ્નનું સામાજિક મહત્ત્વ છે. હિંદુ, મુસ્લિમ સહિત તમામ ધર્મમાં લગ્નને સંસ્કાર માનવામાં આવે છે ને તેમની લાગણીને ધ્યાનમાં રાખીને સમલૈંગિક લગ્નોને માન્યતા ના મળવી જોઈએ. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને સમલૈંગિક લગ્નનો અને સજાતીય દંપતીઓને બાળકો દત્તક આપવાનો પણ વિરોધ કર્યો હતો. કેન્દ્રની એફિડેવિટમાં એ મુદ્દા પર ભાર મુકાયો હતો કે, સમલૈગિંક લગ્ન ભારતીય પરંપરાથી વિરુદ્ધ છે. ભારતીય પરંપરા અને સામાજિક વ્યવસ્થા સ્ત્રી અને પુરુષ પતિ-પત્ની તરીકે રહે ને તેમનાથી બાળકો પેદા થાય એ પ્રકારની છે.
સમલૈગિક સંબંધો ધરાવતાં યુગલોનાં બાળકો આ વ્યવસ્થા પ્રમાણે નથી હોતાં તેથી આ લગ્ન ભારતીય પરંપરા પ્રમાણે ના કહેવાય. સમલૈંગિક લગ્નથી ઉછેરાતાં બાળકોની તુલના ભારતીય પરિવારમાં પતિ-પત્નીને જન્મેલાં બાળકોની સાથે કરી શકાય નહીં. કેન્દ્ર સરકારે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, સુપ્રીમ કોર્ટને સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો કોઈ અધિકાર જ નથી. આ અંગે નિર્ણય લેવો સંસદનું કામ છે તેથી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપવાથી દૂર રહેવું જોઈએ. આ વાત બિલકુલ સાચી હતી ને ખુદ સુપ્રીમ કોર્ટે પોતે આ વાત સ્વીકારી લીધી હતી એ જોતાં સજાતીય લગ્નને માન્યતાના મુદ્દે 2023માં જ પડદો પડી 1 ગયેલો.