સુરેન્દ્રનગરના ‘આપ’ના 4 ઉમેદવારોના કેસરિયા

દિપક ચિહલા, શારદાબેન ભુસડિયા, ભાવિન મડિયા, નેન્સી શાહનો છેલ્લી ઘડીએ પક્ષપલટો ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું હતું. 4 જાહેર થયેલા ઉમેદવારો સહિત…

દિપક ચિહલા, શારદાબેન ભુસડિયા, ભાવિન મડિયા, નેન્સી શાહનો છેલ્લી ઘડીએ પક્ષપલટો

ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું હતું. 4 જાહેર થયેલા ઉમેદવારો સહિત 70 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા મનપાની આગામી ચૂંટણી પૂર્વે રાજ્યના રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. એક તરફ આમ આદમી પાર્ટી પોતાની સક્રિયતા વધારવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ પક્ષમાં મોટા પાયે ભંગાણ સર્જાયું છે. ગત રોજ આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા 24 ઉમેદવારો પૈકીના 4 મહત્વના ઉમેદવારોએ પક્ષને રામ-રામ કરી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે.

ગુરુવારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 70 જેટલા સક્રિય કાર્યકર્તાએ ભાજપની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કરી કેસરીયો ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાનાર મુખ્ય ચહેરાઓમાં જેમને મનપાની ચૂંટણી માટે આપ એ ટિકિટ આપી હતી તેવા દિપકભાઈ ચિહલા, શારદાબેન ભુસડીયા, ભાવિનભાઈ મડિયા અને નેન્સીબેન શાહનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા અને મંત્રી દેવાંગભાઈ સહિતના ઉચ્ચ હોદ્દેદારોએ નવયુક્ત સભ્યોને પુષ્પગુચ્છ અને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, વિકાસ કાર્યોથી પ્રેરાઈને અન્ય પક્ષના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, જેનાથી પક્ષ વધુ મજબૂત બનશે. ચૂંટણીના આરે જ ઉમેદવારોના પક્ષ પલટાથી આમ આદમી પાર્ટીની રણનીતિને મોટો ફટકો પડ્યો છે. પક્ષ છોડનારા ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક વિકાસ અને મજબૂત નેતૃત્વની અપેક્ષાએ ભાજપમાં જોડાયા છે.

રાજુ કરપડાને ભાજપમાં જોડાતાની સાથે જ જિલ્લા પંચાયતની ટિકિટ
ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કર્યાના માત્ર 24 કલાકની અંદર, રાજકીય રીતે મજબૂર એવી ભારતીય જનતા પાર્ટીને રાજુ કરપડાને ટિકિટ આપવી પડી છે. રાજુ કરપડા એ એવા ખેડૂત નેતા છે જેઓ આમ આદમી પાર્ટીમાં રહીને, ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીને ભાજપની આખેઆખી સરકારને હલબલાવી નાખી હતી. મજબૂત અને સાચા ખેડૂત નેતાને ભાજપે જેલમાં પૂર્યા અને આમ આદમી પાર્ટીના કહેવા મુજબ રાજુ કરપડા સાથે રાજકીય સોદો પાર પાડ્યો. જેલમાંથી બહાર આવ્યા બાદ ક્યારે શુ બોલવું, કોની સામે બોલવું, કેવુ બોલવું એ બધુ ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે જ થયું અને બદલામાં ભાજપનો ખેસ ધારણ કરવાની સાથે જ લોટરી સમાન ચૂંટણી લડવા માટેની ટિકિટ મળી ગઇ છે અને જિલ્લા પંચાયતના ઉમેદવાર બનાવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *