યેનકેન પ્રકારે પાંચમા વરસમાં પ્રવેશેલા સંગ્રામને રોકવા અને ઉકેલ લાવવા ટ્રમ્પના પ્રયાસો પરાકાષ્ઠાએ
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટે હવે નિર્ણાયક ગતિવિધિઓ શરૂૂ થઈ છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જાહેરાત કરી છે કે, યુક્રેન, રશિયા અને અમેરિકા વચ્ચે સંયુક્ત આરબ અમીરાતમાં પ્રથમ વખત ત્રિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે. આ મહત્વપૂર્ણ મંત્રણાનો આજે પ્રારંભ થયો છે જે બે દિવસ ચલાનાર છે.
દાવૌસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ આ મોટી જાહેરાત કરી હતી. ઝેલેન્સ્કીએ આશા વ્યક્ત કરી છે કે આ બેઠક દ્વારા યુદ્ધવિરામ અને શાંતિ સ્થાપવા માટે કોઈ નક્કર માર્ગ નીકળશે.
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ’અમેરિકી ટીમ આજે મોસ્કો જશે. હા, તેમણે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથેની અમારી મીટિંગની રાહ જોઈ હતી, અને હવે તેઓ જશે. મારી ટીમ પણ અમેરિકી ટીમ સાથે મુલાકાત કરશે અને મને લાગે છે કે, UAEમાં આ પ્રથમ ત્રિપક્ષીય બેઠક હશે. આ બેઠક આજેે (શુક્રવાર અને શનિવાર) એમ બે દિવસ માટે યોજાશે. મને આશા છે કે UAEને આ બાબતે જાણ હશે. ક્યારેક આપણને અમેરિકી તરફથી આવા સરપ્રાઈઝ મળે છે, પરંતુ તેમ છતાં તેઓ ત્યાં જઈ રહ્યા છે જે સારી બાબત છે.’
તેમણે વધુમાં કહ્યું કે, ’જો ટેકનિકલ સ્તરે આપણે આ ત્રિપક્ષીય બેઠક શરૂૂ કરીશું, તો મને આશા છે કે આપણને કંઈક પ્રાપ્ત થશે. મને ખબર નથી, પરંતુ રશિયનોએ સમજૂતી માટે તૈયાર રહેવું પડશે કારણ કે માત્ર યુક્રેન જ નહીં, દરેક પક્ષે તૈયાર રહેવું જરૂૂરી છે. અમારા માટે આ ખૂબ જ મહત્વનું છે. અમે જોઈશું કે શું પરિણામ આવે છે. આપણા લોકો આજે અમેરિકનોને મળશે અને ત્યારબાદ અમેરિકી પ્રતિનિધિઓ રશિયનો સાથે મુલાકાત કરશે. કોઈપણ વાતચીત ન થવા કરતા આ મંત્રણા થવી ઘણી સારી છે.”
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે સકારાત્મક વલણ અપનાવ્યું છે. ઝેલેન્સ્કી સાથેની મુલાકાતને ખૂબ સારી ગણાવતા ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin)ને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, હવે આ યુદ્ધનો અંત આવવો જોઈએ. ટ્રમ્પે કહ્યું કે તેમનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં પુતિન સાથે મુલાકાત કરશે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ’યુદ્ધને સમાપ્ત કરવું જ પડશે. આ જંગમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.’
રશિયાના પુતિન અને યુએસ રાજદૂતો વચ્ચે મોડી રાત સુધી ચાલેલી વાતચીત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ત્રણ અમેરિકી રાજદૂતો વચ્ચે મોડી રાત સુધી થયેલી વાતચીત પૂર્ણ થઈ છે, એમ ક્રેમલિનએ આજે વહેલી સવારે તેની ટેલિગ્રામ ચેનલ દ્વારા જણાવ્યું હતું. આ વાતચીત સાડા ત્રણ કલાકથી વધુ ચાલી હતી.
