સુપરસ્ટાર યશની અત્યંત પ્રતિક્ષિત ફિલ્મ ’ટોક્સિક’ હવે વધુ ઘાતક અને ડાર્ક બનવા જઈ રહી છે. મેકર્સે સત્તાવાર રીતે ફિલ્મમાં બે નવા કલાકારોની એન્ટ્રી કરાવી છે. અક્ષય ઓબેરોય ’ટોની’ ના પાત્રમાં અને સુદેવ નાયર ’કરમાડી’ ના પાત્રમાં જોવા મળશે. આ જાહેરાત બાદ ચાહકોમાં ફિલ્મ પ્રત્યેની ઉત્તેજના બમણી થઈ ગઈ છે.અક્ષય ઓબેરોય દ્વારા ભજવવામાં આવેલું ’ટોની’ નું પાત્ર 1950 ના દાયકાના વિન્ટેજ લૂકથી પ્રેરિત લાગે છે.
લાંબી સાઇડબર્ન્સ અને ક્લાસિક સ્ટાઇલ સાથે તે એક એવા વ્યક્તિ તરીકે ઉભરી રહ્યો છે જેણે માત્ર હિંસા જોઈ જ નથી, પરંતુ તેમાં મહારત હાસલ કરી છે. તેનું પાત્ર જેટલું સ્ટાઇલિશ છે તેટલું જ જોખમી પણ છે.
’ટોક્સિક’ ની વાર્તા આ નવા પાત્રોના ઉમેરા સાથે વધુ રહસ્યમય અને રોમાંચક બનશે. અક્ષય ઓબેરોયના ’ટોની’ લૂક વિશે વાત કરીએ તો, તે એક જૂના જમાનાના ખતરનાક માસ્ટરમાઇન્ડ જેવો દેખાય છે. બીજી તરફ સુદેવ નાયર ’કરમાડી’ ના પાત્રમાં કેવી ભૂમિકા ભજવશે તે હજુ ગુપ્ત રાખવામાં આવ્યું છે, પરંતુ તે યશના પાત્ર સામે મોટો પડકાર ઉભો કરશે તે નક્કી છે. આ બંને કલાકારોની એન્ટ્રીથી ’ટોક્સિક’ ની વાર્તા વધુ વ્યાપક અને આંતરરાષ્ટ્રીય સ્તરની બની રહી છે.
