તેલંગાણાની બન્ને યુવતીઓ રજા માણવા જઇ રહી હતી
કેલિફોર્નિયામાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ભારતના તેલંગાણા રાજ્યથી પોતાના સપનાઓ પૂર્ણ કરવા માટે અમેરિકા ગયેલી 2 યુવતીઓના મોત નીપજ્યા છે. મૃતકોની ઓળખ થઈ ચુકી છે. જેમાં તેલંગાણાના મહબૂબાબાદ જિલ્લાની 25 વર્ષીય યુવતી પુલાખંદમ મેઘના રાની અને મુલકાનૂરની 24 વર્ષીય કાદિયાલા ભાવનાનો સમાવેશ થાય છે.
સ્થાનિક સમય પ્રમાણે રવિવારે સાંજે 4 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. મેઘના અને ભાવના અલ્બામા હિલ્સના પ્રવાસે પોતાના મિત્રો સાથે પ્રવાસ કરી રહ્યા હતા. 8 મિત્રો બે અલગ-અલગ કારમાં તેમના ગંતવ્ય તરફ આગળ વધી રહ્યા હતા. એક વળાંક પર મેઘના અને ભાવના પ્રવાસ કરી રહ્યા હતા, તે કારનું નિયંત્રણ તેના ડ્રાઈવરે ગુમાવ્યું હતું અને કાર ખીણમાં ખાબકી હતી.
બંને યુવતીઓ ત્રણ વર્ષ પહેલા ઉજ્જવળ ભવિષ્ય ઘડવાની આશા સાથે અમેરિકા આવી હતી. તેમણે તાજેતરમાં જ પોતાની એમએસ ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને તેઓ નોકરીની શોધ કરી રહ્યા હતા. બંને મૃતક યુવતીઓ ઘણી મહત્વકાંક્ષી હતી અને જીવનના આગામી તબક્કાને લઈને ઉત્સાહિત પણ હતી.
