ભારતની અંદરની સ્થિતિ ઉપર કાબુ મેળવવો અશક્ય નથી પરંતુ વિશ્વની આર્થિક સ્થિતિ આપણા દેશના હાથમાં નથી. ભારત એક ગ્લોબલ દેશ બની રહ્યો છે માટે વૈશ્વિક આર્થિક નીતિ ભારતને સીધી અસર કરે છે. વળી મોટા દેશોની આર્થિક નીતિ પણ અસંગત હોય છે. જેમ કે, યુએસ ફેડરલ રિઝર્વની નીતિઓ અને ઉભરી રહેલા માર્કેટમાં પડી રહેલા કંઝમ્પશનના ભાવ વચ્ચે કોઈ તાલમેલ નથી. અમેરિકા સાથે ભારતને સીધા વ્યાપારી સંબંધો હોવાથી તેની અસર ભારતને પડ્યા વિના રહે નહીં. આરબીઆઈએ વૈશ્વિક પ્રવાહોના આ બધા જોખમોમાંથી સરળ રસ્તો કાઢવા માટે વ્યવસ્થિત સ્ટ્રેટેજી સાથે ફોરેક્સ માર્કેટમાં તેનું વજન વધારવું પડશે. તેના માટે રૂૂપિયાનું મૂલ્ય આનાથી વધુ ગગડવું ન જોઈએ તે પૂર્વશરત છે. ઘણા અઘરા પડકારોનો કુશળતાથી સામનો કરીને ભારતીય રિઝર્વ બેન્ક દેશમાંથી મંદીને પાછી ઠેલી રહી છે.
ઈ. સ. 2026 માં ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગનું ફ્રેમવર્ક દાખલ થવાનું છે જે આરબીઆઈની બધી જ નાણાંકીય પોલિસીઓનો સઘન અભ્યાસ કરશે અને રિવ્યૂ આપશે. આ ફ્રેમવર્ક 2016 માં દાખલ કરવામાં આવ્યું હતું પણ આબોહવા પરિવર્તન, વિશ્વ – રાજકારણના બદલાતા સમીકરણો અને સપ્લાઇ – ચેનની અનિયમિતતાને કારણે તે ફ્રેમવર્ક હવે કેટલી હદે પ્રસ્તુત છે તે તપાસવું પડશે. નવા આગંતુક ગવર્નર સંજય મલ્હોત્રાએ વધુ સ્થિસ્થાપક પોલિસી અખત્યાર કરવી પડશે. સંજય મલ્હોત્રાની આરબીઆઈના ગવર્નર તરીકે નિમણૂંક જે બિંદુ ઉપર થઈ તે મહત્ત્વનું છે. ભારતની વર્તમાન આર્થિક સ્થિતિ અત્યારે ઘણા બધા પ્રવાહોના સંગમબિંદુ પર છે. ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક તો છે જ પણ સાથે સાથે ફુગાવો – મોંઘવારી – મંદી અને સ્થિર થઈ ગયેલી જીડીપી વૃદ્ધિના જંકશન પર પણ છે.
પૂર્વ ગવર્નર શક્તિકાન્ત દાસના સમયગાળા દરમિયાન ભારત કોવિડ રોગચાળામાંથી પસાર થયું. એ સમયગાળા દરમિયાન ભારતની ઘણી બેંકોએ નાદારી નોંધાવી. વધુમાં આરબીઆઈ અને સરકાર વચ્ચેના સુમેળભર્યા સંબંધ પણ બગડ્યા. તો પણ એ જ સમયગાળા દરમિયાન ભારતમાં યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન વિક્રમી ઉંચાઇએ પહોંચ્યા અને જીડીપી વૃદ્ધિ સારી એવી થઈ. ભારતને આમ પણ વિકસિત રાષ્ટ્ર થવાનું સપનું દેશના વડાઓએ બતાવ્યું છે. માટે વર્તમાન ગવર્નર સંજય મલ્હોત્રા પાસેથી સરકાર અને પ્રજાજનોને અપેક્ષા વધુ છે. જ્યારે સરકાર અને પ્રજા બંને કોઈ એક પદ પાસેથી વધુ આશા રાખવા લાગે ત્યારે તે પદાધિકારીનું કામ અતિ કઠિન થઈ જતું હોય છે. ભાજપના નવા અધ્યક્ષ માટે પણ એમ જ છે. જો કે મલ્હોત્રા હવે નવા રહ્યા નથી. નવોદિતોની સામે પડકારોની સંખ્યા અને કદ બંને વધી જતા હોય છે. જેમ કે, આરબીઆઈના ગવર્નર હોવાના નાતે તેમનો સૌથી મોટો પડકાર એ છે કે આર્થિક વિકાસદર રૂૂંધાઈ ન જાય એ રીતે ફુગાવાને કાબુમાં લેવો. ભારતના ફુગાવાની તાસીર થોડી વાયુ પ્રકૃતિની છે.
ભારતનો ફુગાવો ઉર્જા અને ખાદ્ય પદાર્થો – આ બે સેક્ટર ઉપર મહદ્અંશે વધુ આધાર રાખે છે. સપાટી ઉપર વધી રહેલો ફુગાવો માંગના દબાણને રેખાંકિત કરે છે. તો નવા ગવર્નરે ફુગાવાના દરને લગામ કસવી પડશે પણ તેની આડઅસર રૂૂપે માંગ-પુરવઠાનું સમીકરણ ખોરવાઈ નહીં અને રોકાણનો જથ્થો ઘટે નહીં તેનું પણ ધ્યાન રાખવું પડશે. ભારતના ચલણી નાણાંની બેવડી સમસ્યાઓ છે. એક તો રૂૂપિયાનું અમેરિકન ડોલર સામે સતત અવમૂલ્યન થઈ રહ્યું છે. રૂૂપિયાનો ભાવ ઘટી રહ્યો છે, ડોલરનો ભાવ વધી રહ્યો છે, પેટ્રોલિયમ મોંઘુ થઈ રહ્યું છે અને નિર્મલા બેન ટેક્સમાંથી કોઈ ઘટાડો કરી રહ્યા નથી. વધુમાં એ પણ જોવું રહ્યું કે ભારતનું ફોરેક્સ રિઝર્વ ઘટી ન જાય. રૂૂપિયાની સ્થિરતા અને વિદેશી હુંડિયામણનો પૂરતો જથ્થો – આ બંને જાળવવા માટે આરબીઆઈ ગવર્નરે ખાંડાની ધાર પર ચાલવું પડશે.
પ્રધાનમંત્રી જન ધન યોજનાના કારણે બેંકોમાં નવા ખાતા લાખો -કરોડોની સંખ્યામાં ખુલ્યા. પરંતુ તેમાંથી મોટા ભાગના ખાતા નિષ્ક્રિય છે. એ ખાતામાં રહેલી મૂડીમાં વધારો પણ થતો નથી. યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસની દરખાસ્ત થઈ છે જેથી લોકોને બચત કરવામાં ને તે લાંબા સમય સુધી સાચવવામાં સહેલું પડશે. જેમ જેમ ભારત વિકસિત રાષ્ટ્ર તરફ એક એક ડગલું માંડી રહ્યો છે એમ જ ભારતે એ સમજવું પણ જરૂૂરી છે કે હરિયાળીના ભોગે આ દેશને સુપરપાવરનું લેબલ ક્યારેય જોઈતું ન હતું કે જોઈતું નથી. હવે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો માટે ગ્રીન ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ છે. આરબીઆઈ તેમાં સક્રિયપણે ભાગ લઈ શકે છે. ફાઈનાન્શિયલ સિસ્ટમની અખંડિતતા એક બીજો પડકાર છે. નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓમાં રોકડનો અભાવ દેખાય છે. બેંકો અને ફિનટેક કંપનીઓ વચ્ચેનો સુમેળ થવો પણ અઘરો છે. સાયબર સિક્યોરિટી બહુ મજબૂત કરવી પડે એમ છે. આરબીઆઈના ગવર્નરને પહેલાથી જ આવી રહેલા જોખમો કે નુકસાન વિશે ખ્યાલ આવી જાય તે અપેક્ષિત છે. પરંપરાગત બેન્ક અને ફિનટેક કંપનીઓ વચ્ચે સૌહાર્દ ભર્યા સંબંધો સ્થપાય તે ભારતના અર્થતંત્ર માટે જરૂૂરી છે.
સંજય મલ્હોત્રાની આરબીઆઈના કામગીરી એવા બિંદુ ઉપર છે જ્યાં પડકારો પણ ઘણા છે અને તકો પણ ઘણી ઊભી છે. ફુગાવાથી લઈને વૈશ્વિક માર્કેટમાં ભારતનું સ્થાન મજબૂત કરવાના ઇરાદા સુધીની કાર્યક્ષેત્રની રેન્જ વિશાળ છે. નજીકના અને દૂરના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભારતની રિઝર્વ બેંકે રોડમેપ તૈયાર કરવો પડશે. ભારતની આર્થિક વ્યવસ્થા ઘણી સંકીર્ણ છે. જો સંજય મલ્હોત્રા ભારતના અર્થકારણને સમજી ગયા અને તેણે પુરોગામી કરતા વધુ પરિપક્વતા બતાવી છે.
