કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના બજેટમા આવકવેરા વિભાગના દરોમાં ફેરફારો કર્યો તેના કારણે મધ્યમ વર્ગ ખુશ છે ત્યાં હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ રેપો રેટ સહિતના બેક રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને રેપો રેટ 6.25 ટકા કરીને મધ્યમ વર્ગને વધુ એક રાહત આપવાનો તખ્તો તૈયાર કરી દીધો છે.
રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરતાં લોન સસ્તી થશે અને હોમ લોન સહિતની લોનના હપ્તા એટલે કે ઈએમઆઈ પણ ઓછા થશે. રિઝર્વ બેંકના ગવર્નર નિમાયેલા સંજય મલ્હોત્રાની આ પહેલી મોનેટરી પોલિસી છે અને પહેલા જ ધડાકે તેમણે લોકોને રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે કેમ કે છેલ્લા પાંચ વર્ષથી રેપો રેટ સહિતના દર સત વધ્યા જ કરતા હતા. તેના કારણે લોકો પરનો બોજ પણ વધ્યા કરતો હતો, હવે રિઝર્વ બેંકે પાંચ વર્ષ પછી રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટ એક ટકા વધે એટલે એક લાખની લોન પર વરસે હજાર રૂૂપિયા વધી જાય એ જોતાં 2022ના મે પછી મધ્યમ વર્ગ પર લોનના હપ્તામાં જ દર લાખે વરસે ઓછામાં ઓછા અઢી હજારથી ત્રણ હજાર રૂૂપિયા વધી ગયા હતા કેમ કે બેંકો પણ તકનો લાભ લઈને લટકામાં પોતાનો વધારો ઉમેરી દેતી હોય છે.
રિઝર્વ બેંકે અઢી ટકાનો વધારો કર્યો હોય તો એ 10-10 બેઝિસ પોઈન્ટ ઉમેરીને 3 ટકા સુધી વધારો કરીને બેસી ગઈ હતી. ગયા વરસે વધારાનો સિલસિલો અટકયો હતો ને હવે 5 વર્ષ પછી રેપો રેટ ઘટાડવામાં આવ્યો છે ત્યારે વ્યાજદરમાં ઘટાડાનો સિલસિલો શરૂૂ થશે એવી આશા રાખી શકાય. આપણે ત્યાં બેંકોની માનસિકતા લોકોને લૂંટીને પોતાનાં ઘર ભરવાની છે. બેંકો લોકોને ચૂસી લેવામાં જ માને છે ને બેંકમાં બેઠેલા લોકોની માનસિકતા પોતાને મળતો ફાયદો સામાન્ય લોકો લગી નહીં પહોંચાડવાની છે.
આ કારણે રિઝર્વ બેંક રેપો રેટ ઘટાડે તો પણ બેંકો વ્યાજ નથી ઘટાડતી એવો આપણો ભૂતકાળનો અનુભવ છે. મલ્હોત્રા પહેલાંના રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસ ગવર્નર બન્યા એ પછી સળંગ તેમણે રેપો રેટ ઘટાડયા હતા ને રેપો રેટને ચાર ટકા પર લાવી દીધેલો છતાં આપણે ત્યાં હોમ લોનનો વ્યાજ દર કદી સાડા છ ટકાથી નીચે ના આવ્યો. લોન લેનારાઓ વ્યાજદરમાં ઘટાડાથી રાજી થાય એ સ્વભાવિક છે પણ એ ભૂલવું ન જોઇએ કે આ એક બેધારી તલવાર છે. બેંકો અને પોસ્ટ ઓફિસની બાંધી મુદતની થાપણોના વ્યાજ દર ઘટસે એટલે મધ્યમ વર્ગ સરેરાશ તો ઠેરનો ઠેર રહેશે.