અરજીની છેલ્લી તારીખ બાદ પણ દસ્તાવેજો મેળવી શકાશે અને ચકાસણી સમયે રજૂ કરાશે
ખંભાળિયાના જાણીતા સેવાભાવી તબીબ અને શિક્ષણવિદ ડો. કંડોરીયા દ્વારા જી.એસ.આર.ટી.સી. કંડક્ટર ભરતી સંદર્ભે ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી રજૂઆતોને સફળતા સાંપળી છે.
જી.એસ.આર.ટી.સી. દ્વારા કંડક્ટર ભરતીમાં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, કંડક્ટર લાયસન્સ અને બેજ મેળવવામાં ઉમેદવારોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી રજૂઆતને અંતે સફળતા મળી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જાહેર કરાયેલી નવી સ્પષ્ટતા અનુસાર ઉમેદવારો અરજી કરતી વખતે કંડક્ટર લાયસન્સ, બેજ અથવા ફર્સ્ટ એડ સર્ટિફિકેટની વિગતો દર્શાવવી ફરજિયાત રહેશે નહીં. અરજીની છેલ્લી તારીખ બાદ પણ આ દસ્તાવેજો મેળવી શકાશે અને દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરી શકાશે.
અગાઉ ઉમેદવારોને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પ્રશ્નને લઈને ખંભાળિયા તાલુકાના ભાજપ અગ્રણી અને જિલ્લા પંચાયત સભ્ય ડો. પી.વી. કંડોરીયા દ્વારા સરકાર અને સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે માત્ર પ્રક્રિયાગત અડચણોના કારણે કોઈપણ લાયક ઉમેદવાર ભરતીથી વંચિત ન રહે.
સરકાર અને જી.એસ.આર.ટી.સી. તંત્ર દ્વારા ઉમેદવારોના હિતમાં લેવામાં આવેલ આ નિર્ણયને આવકારતા ડો. પી.વી. કંડોરીયાએ મુખ્યમંત્રી, રાજ્ય સરકાર, વાહન વ્યવહાર મંત્રી તથા જી.એસ.આર.ટી.સી.ના ઉચ્ચ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય હજારો યુવાનો માટે આશીર્વાદરૂૂપ સાબિત થશે અને ભરતી પ્રક્રિયામાં વધુને વધુ લાયક ઉમેદવારોને તક મળશે. ઉમેદવારોમાં પણ આ નિર્ણયને લઈને આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે.
યુવાનોના હિતના પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવવાની અમારી પ્રતિબદ્ધતા યથાવત રહેશે અને ભવિષ્યમાં પણ આવા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહીશું. તેમ પણ ડો. પી.વી. કંડોરિયાએ વઘુમાં જણાવ્યું હતું.
