નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. 31 ઑક્ટોબરે યોજાનારી ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ માટે દેશનાં વિવિધ સુરક્ષાદળોના જવાનો દ્વારા રિહર્સલ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે એકતાનગર પહોંચશે, જ્યાં વિવિધ વિકાસલક્ષી અને પ્રવાસન પ્રોજેક્ટ્સના લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાવાના છે.
આ વર્ષની રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન 31 ઑક્ટોબરે સાંજે 5 વાગ્યે કરવામાં આવ્યું છે. પરેડમાં વિવિધ રાજ્યોનાં પોલીસ દળો, અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષાદળોના જવાનો ભાગ લેશે. પરેડ દ્વારા દેશની આંતરિક સુરક્ષામાં સુરક્ષાદળોના યોગદાન, શિસ્ત અને રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કરવામાં આવશે. વંદે માતરમની થીમ આધારિત ઝાંખીઓ, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને વિવિધ પ્રદેશોની ભાગીદારી કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે એકતાનગરની મુલાકાત દરમિયાન પ્રવાસીઓની સુવિધા અને પ્રવાસન વિકાસ સાથે જોડાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. તેમાં નવી એકતા ક્રૂઝ, રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટ, ઇલેક્ટ્રિક બસો, ઇકો ટ્રેલ, નર્મદા ઘાટ અને IRCTC હોટેલ સહિતનાં પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ વિકાસકાર્યોનો હેતુ એકતાનગરમાં પ્રવાસન સુવિધાઓને વધુ વિસ્તૃત કરવાનો અને મુલાકાતીઓના અનુભવને બહેતર બનાવવાનો છે.
