લાંચની રકમ ઉંદરો ખાઇ ગયા, લાંચિયા અધિકારીની સજા સામે સ્ટે આપતી સુપ્રીમ

બિહારમાં અવારનવાર વિચિત્ર કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક એવો મામલો પહોંચ્યો જેણે ન્યાયાધીશોને પણ આશ્ચર્યચકિત કરી દીધા. બિહાર પોલીસના એક…

બિહારમાં અવારનવાર વિચિત્ર કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક એવો મામલો પહોંચ્યો જેણે ન્યાયાધીશોને પણ આશ્ચર્યચકિત કરી દીધા. બિહાર પોલીસના એક દાવાએ કાયદાકીય જગતમાં ભારે ચર્ચા જગાવી છે, જેમાં કહેવામાં આવ્યું કે ભ્રષ્ટાચારના કેસમાં જપ્ત કરાયેલી લાંચની નોટો માલખાનામાં ઉંદરો ખાઈ ગયા હતા. આ અજીબોગરીબ દલીલ બાદ સુપ્રીમ કોર્ટે આરોપી પૂર્વ સરકારી અધિકારીને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

આ ઘટના 2019ની છે, જ્યારે બિહારના આર્થિક ગુના એકમ (EOU) એ તત્કાલીન બાળ વિકાસ કાર્યક્રમ અધિકારી (CDPO) અરુણા કુમારી વિરુદ્ધ ભ્રષ્ટાચારનું છટકું ગોઠવ્યું હતું. કુમારી પર 10,000 રૂૂપિયાની લાંચ માંગવાનો અને સ્વીકારવાનો આરોપ હતો. દરોડા દરમિયાન પોલીસે લાંચની આ રકમ રિકવર કરી હોવાનો દાવો કર્યો હતો અને આ ચલણી નોટોને પુરાવા તરીકે સીલબંધ પરબિડીયામાં માલખાના (પુરાવા ખંડ) માં જમા કરાવી હતી.

ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ જ્યારે ટ્રાયલ શરૂૂ થઈ, ત્યારે ફરિયાદ પક્ષે કોર્ટમાં કબૂલાત કરી કે તેઓ અસલી નોટો રજૂ કરી શકે તેમ નથી. પોલીસનો દાવો હતો કે જે માલખાનામાં પરબિડીયું રાખવામાં આવ્યું હતું ત્યાં ઉંદરોનો ભારે ત્રાસ હતો અને તે ઉંદરોએ પરબિડીયું તેમજ અંદર રાખેલી રોકડ રકમનો નાશ કરી દીધો હતો. નીચલી કોર્ટે શરૂૂઆતમાં કુમારીને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ 2025માં પટણા હાઈકોર્ટે આ નિર્ણય પલટી નાખ્યો અને ઉંદરોની થીયરી સ્વીકારીને તેમને દોષિત ઠેરવ્યા હતા. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કેવી વિશ્વનાથનની બેન્ચ પાસે પહોંચ્યો, ત્યારે કોર્ટે ઉંદરો દ્વારા નોટો ખાઈ જવાના દાવા પર ભારે આઘાત અને આશ્ચર્ય વ્યક્ત કર્યું.

કોર્ટે જણાવ્યું કે, “અમને એ જાણીને નવાઈ લાગે છે કે ઉંદરોએ ચલણી નોટોનો નાશ કર્યો.” બેન્ચે આ બાબતને રાજ્ય માટે મોટું મહેસૂલ નુકસાન ગણાવ્યું હતું. કોર્ટે ટિપ્પણી કરી કે ભ્રષ્ટાચાર જેવા ગંભીર કેસમાં જપ્ત કરાયેલા પુરાવાઓની સુરક્ષા અત્યંત મહત્વની છે. જે રીતે મુખ્ય પુરાવાનો જ નાશ થયો છે તે જોતા કોર્ટે અરુણા કુમારીની ચાર વર્ષની સજા પર મનાઈ હુકમ આપ્યો અને તેમને તાત્કાલિક જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો. આ ચુકાદાએ સરકારી મશિનરી અને માલખાનાની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *