આગામી 19 માર્ચના સિનેમાઘરોમાં રિલીઝ થશે
રણવીર સિંહની ધુરંધર: ધ રિવેન્જ માટે વિશ્વભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટ્રેડ અંદાજ મુજબ મંગળવાર સુધીમાં અમેરિકા અને કેનેડામાં ફિલ્મના પેઈડ પ્રિવ્યુ શોઝ માટે જ લગભગ 750,000 ડોલરથી વધુનું બૂકિંગ થઈ ગયું હતું. જ્યારે ઓપનિંગ ડે માટે એડવાન્સ બૂકિંગ 1 મિલિયન ડોલરને પાર કરી ગયું છે, જ્યારે સમગ્ર ઓપનિંગ વીકએન્ડ માટે આ આંકડો 2 મિલિયન સુધી પહોંચી ગયો છે. ફિલ્મ હજુ 19 માર્ચે રિલીઝ થવાની હોવાથી આ આંકડા ખુબ જ પ્રભાવશાળી ગણાઈ રહ્યા છે. ભારતમાં પણ ફિલ્મ માટે ભારે પ્રતિસાદ મળ્યો છે. બુધવારે માત્ર પેઈડ પ્રિવ્યુ માટે એડવાન્સ બૂકિંગ શરૂૂ થયા છતાં ફિલ્મે 3.5 લાખથી વધુ ટિકિટ વેચી દીધી છે, જેના કારણે અંદાજે 19 કરોડની કમાણી થઈ છે.
હાલમાં અમેરિકામાં સૌથી મોટાં પેઈડ પ્રિવ્યુ કલેક્શનનો રેકોર્ડ એનિમલનાં નામે છે, જેમાં રણબીર કપૂરની ફિલ્મે 1.2 મિલિયન ડોલર કમાણી કરી હતી. ઉત્તર અમેરિકામાં સૌથી મોટા ઓપનિંગ વીકએન્ડનો રેકોર્ડ હાલમાં ’આરઆરઆર’ અને ’પુષ્પા 2-ધ રુલ’ના નામે છે, જેણે અનુક્રમે 3.46 મિલિયન ડોલર અને 3.34 મિલિયન ડોલરની કમાણી કરી હતી.
