ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ શાંત દેખાતા રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પક્ષના નેતૃત્વ, ખાસ કરીને ગોપાલ ઇટાલિયા સામે ગંભીર આક્ષેપો કરીને હડકંપ મચાવી દીધો છે. કરપડાએ પાર્ટી પર ખેડૂતોનો રાજકીય ઉપયોગ કરવાનો અને આંતરિક જૂથબંધીનો આરોપ લગાવ્યો છે.
સૌથી ચોંકાવનારો આક્ષેપ કરતા કરપડાએ કહ્યું કે, “ખેડૂતો અને મને લાંબો સમય જેલમાં રાખવા માટે પક્ષ દ્વારા જ ષડયંત્ર રચાયું હતું. 27 ઓક્ટોબરે ખેડૂતો છૂટી શકે તેમ હતા, પરંતુ AAPના વકીલ જાણી જોઈને હાજર રહ્યા નહોતા. 31 ઓક્ટોબરના કેજરીવાલના કાર્યક્રમમાં સહાનુભૂતિ મેળવવા માટે અમને જેલમાં રખાયા અને બાદમાં વેકેશન પડી જતાં અમારે લાંબો સમય જેલ ભોગવવી પડી.
તેમણે વધુમાં ઉમેર્યું કે, “ઇશુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ બન્યા પછી ગોપાલ ઇટાલિયા 11 મહિના સુધી પક્ષના કાર્યક્રમોથી કેમ દૂર રહ્યા? ગોપાલ ઇટાલિયા પ્રયત્ન કરે છે કે ગુજરાતના અન્ય કોઈ નેતા કેજરીવાલની નજીક ન પહોંચે. મારી સામે 4 કેસ થયા, જ્યારે ઇટાલિયા કે મનોજ સોરઠિયા સામે કેમ કોઈ કેસ નથી?” રાજુ કરપડાએ ભારે હૈયે જણાવ્યું કે, “મેં જ્યારે ખેડૂતોના હિત માટે પક્ષ છોડ્યો, ત્યારે તેની માત્ર 20 જ મિનિટમાં મને ’ગદ્દાર’ જાહેર કરી દેવામાં આવ્યો હતો.કરપડાએ પક્ષની વિચારધારા પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે જો AAP ગુજરાતમાં ખેડૂતોની દેવા માફીની માંગ કરે છે, તો પંજાબમાં તેમની સરકાર હોવા છતાં દેવા માફી કેમ નથી કરતી? પંજાબમાં ટેકાના ભાવ (ખજઙ) માંગતા ખેડૂતો પર લાઠીચાર્જ અને અત્યાચાર કેમ કરવામાં આવે છે? પક્ષના રાજકારણથી ઉપર ઉઠીને હવે રાજુ કરપડાએ ખેડૂતો માટે મેદાને પડવાની જાહેરાત કરી છે.
આ કોઈ રાજકીય યાત્રા નથી, પરંતુ ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવવાનું આયોજન છે. આ યાત્રાનો ખર્ચ કયા ખેડૂતોએ આપ્યો છે તેનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે. અંતે રાજુ કરપડાએ સ્પષ્ટ કર્યું કે તેઓ કયા પક્ષમાં જોડાશે અથવા રાજકારણમાં રહેશે કે નહીં, તેનો નિર્ણય આ યાત્રા પૂર્ણ થયા બાદ જ લેવામાં આવશે. તેમણે અંતમાં વિશ્વાસ સાથે કહ્યું કે, “મારું ભવિષ્ય ખેડૂતોએ લખ્યું છે અને ખેડૂતોના દિલમાંથી મને કોઈ હટાવી શકશે નહીં.”
