ત્રણ મહિના પહેલા પત્નીનું ટીબીની બિમારીથી મોત નિપજ્યું હતું
રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા અને યુનિવર્સિટી પોલીસ મથકમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય યુવાને પત્નીના મોતના શોકમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. કાલાવડ તાલુકાના મોકાજી મેઘપર ગામના વતની અને હાલ મવડી ચોકડી પાસે ઉદ્યોગ નગરમાં રહેતા દિપક દિનેશભાઈ દાણીધારિયા (ઉ.વ. 26) એ ગત રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દવા પીધા બાદ તે મવડી વિસ્તારમાં જ રહેતા તેના કાકા મનોજભાઈના ઘરે આંટો મારવા ગયો હતો, જ્યાં અચાનક તેની તબિયત લથડતા અને બેભાન થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.
બનાવની વિગતો મુજબ, મૃતક દિપક દાણીધારિયા રાજકોટ પોલીસમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવવાની સાથે ઘડિયાળની ગાડી ચલાવી ગુજરાન ચલાવતો હતો. તે બે ભાઈ અને એક બહેનના પરિવારમાં સૌથી મોટો પુત્ર હતો. દિપકના લગ્ન ચાર વર્ષ પહેલાં રિદ્ધિબેન સાથે થયા હતા અને તેમનું દામ્પત્ય જીવન સુખમય રીતે પસાર થઈ રહ્યું હતું. પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હોય તેમ, માત્ર ત્રણ મહિના પહેલા જ તેની પત્ની રિદ્ધિબેનનું ફેફસામાં ઇન્ફેક્શન અને ટીબીની બીમારીને કારણે અવસાન થયું હતું. પત્નીના અકાળે અવસાન બાદ દિપક સતત માનસિક આઘાતમાં અને વિયોગમાં રહેતો હતો, જે અંતે તેના આપઘાતનું કારણ બન્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્નીના મોતનો વિરહ સહન ન કરી શકતા યુવાને પણ પત્નીની પાછળ મોતને વહાલું કરી લેતા દાણીધારિયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. એક તરફ પત્નીના મોતનો શોક હજુ શમ્યો નહોતો ત્યાં જ પરિવારના મોટા પુત્રએ વિદાય લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
