હ્યુગો લેનન નામનો ઇન્ફ્લુયન્સર હોટેલની લોબી સુધી પહોંચી ગયો, ભારતીયોના કાર્યક્રમમાં પણ સૂત્રોચ્ચાર કર્યા
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ખામી અને ઇમિગ્રન્ટ વિરોધી (સ્થળાંતર વિરોધી) માનસિકતાનો વરવો ચહેરો જોવા મળ્યો છે. એક કથિત નિયો-નાઝી સહયોગી અને કટ્ટર જમણેરી દેખાવકાર પીએમ મોદી જે હોટલમાં રોકાયા હતા તેની લોબી સુધી પહોંચી ગયો હતો અને વડાપ્રધાન પર પ્રહારો કરતા જાતિવાદી સૂત્રોચ્ચાર કર્યા હતા.
સોશિયલ મીડિયા પર “ઓસ્પિલ”નામે સક્રિય અને હ્યુગો લેનન તરીકે ઓળખાતા 22 વર્ષીય પ્રદર્શનકારીએ આ સમગ્ર ઘટનાનો એક વીડિયો ઓનલાઈન શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે પીએમ મોદી હોટલની લોબીમાં બિછાવેલા રેડ કાર્પેટ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે પહેલા માળની બાલ્કનીમાંથી આ યુવક જોરજોરથી બૂમો પાડવા લાગ્યો હતો. આ ઓસ્ટ્રેલિયા છે. હવે કોઈ ભારતીય નહીં. અમને વધુ સ્થળાંતર જોઈતું નથી. આ દેશ ઓસ્ટ્રેલિયનો માટે છે.
લોબીની બરાબર ઉપર આવેલી બાલ્કનીમાંથી સતત થઈ રહેલા આ સૂત્રોચ્ચારને કારણે હોટલમાં ક્ષણભર માટે નાસભાગ મચી ગઈ હતી. જોકે, વિક્ટોરિયા પોલીસના જવાનોએ સહેજ પણ સમય ગુમાવ્યા વિના પહેલા માળની બાલ્કની તરફ દોટ મૂકી હતી અને બૂમો પાડી રહેલા હ્યુગો લેનનને ઝડપથી પાછળની તરફ ખેંચી લીધો હતો.
કોણ છે હ્યુગો લેનન?
મીડિયા અહેવાલો અનુસાર, 22 વર્ષનો હ્યુગો લેનન કોઈ સામાન્ય યુવક નથી પરંતુ ઓસ્ટ્રેલિયાના એક અતિશય શ્રીમંત પ્રોપર્ટી ડેવલપર (જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા) પરિવારનો વારસદાર છે. તે સોશિયલ મીડિયા પર કટ્ટર જમણેરી વિચારધારા ધરાવતો પ્રભાવક છે અને તેને નિયો-નાઝી સહયોગી માનવામાં આવે છે. ’ડેઇલી મેલ’ ના રિપોર્ટ પ્રમાણે, ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ઇમિગ્રન્ટ વિરોધી રેલીઓની શ્રેણી માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા પાછળ હ્યુગો લેનન મુખ્ય સૂત્રધાર હતો. આ રેલીઓમાં હજારો શ્વેત રાષ્ટ્રવાદીઓ અને વિદેશીઓનો વિરોધ કરનારા લોકો એકઠા થયા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયા તપાસમાં બહાર આવ્યું છે કે લેનન અને તેના સાથીઓ સીધા કે આડકતરી રીતે વિવિધ નિયો-નાઝી અને શ્વેત સર્વોપરિતા ધરાવતા સંગઠનો સાથે જોડાયેલા છે.
