પ્રકૃતિ સાથે પ્રગતિ : આજના યુગની સર્વોચ્ચ જરૂરિયાત

આજના ઝડપી યુગમાં વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ સાબિત થયું છે કે, વનસ્પતિમાં કે વૃક્ષોમાં સતત ઘટાડો, નદીઓમાં વધતું પ્રદૂષણ, પાણીનાં ઊંડા ઊંડા સ્તર, હવામાનમાં આવતા અનેક…

આજના ઝડપી યુગમાં વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ સાબિત થયું છે કે, વનસ્પતિમાં કે વૃક્ષોમાં સતત ઘટાડો, નદીઓમાં વધતું પ્રદૂષણ, પાણીનાં ઊંડા ઊંડા સ્તર, હવામાનમાં આવતા અનેક ફેરફારો, જમીનો પર આડેધડ બાંધકામ વગેરે અનેક કારણો માનવજાત માટે અત્યંત જોખમી છે. આજે માનવજાત આધુનિકતામાં આકાર તો લઈ રહી છે પણ, બિલ્ડિંગો ઉંચી બનાવવી, ટેક્નોલોજી વાપરવી કે પ્રકૃતિને આડેધડ રંજાડ પહોંચાડવી એ પ્રગતિ નથી. વાસ્તવમાં માનવજાતે કરેલી પ્રગતિ એટલી અસરકારક તો હોવી જ જોઈએ જે પ્રકૃતિ સાથે સંતુલિતતા સાધી શકે.

ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિને માતા તરીકે પૂજવામાં આવી છે. જેમ કે વૃક્ષોને વટસાવિત્રી, નદીઓને માતા, પીપળાને પૂર્વજોનું પ્રતિક, ધરતીને માતા વગેરે ઘણી બધી રીતે પ્રકૃતિ સાથે આપણો સંબંધ જોડાયેલો છે. આપણે આજે આપણાં જ સબંધો સાથે ગેરવ્યવહાર કરવા લાગ્યાં છીએ. આવનારી પેઢી કદાચ પ્રકૃતિનો સાચો અર્થ પણ નહીં સમજી શકે. આપણે વારસામાં ધન-દોલત આપવા માટે એટલી હદે પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છીએ કે, ” આવનારી પેઢી આપણી વારસાઈ દોલતથી ના તો શુદ્ધ હવા ખરીદી શકશે કે ના તો શુદ્ધ ખોરાક.”

પ્રકૃતિ માત્ર નદીઓ કે પર્વતોનું નામ જ નથી, પણ તે તો જીવનનો મુખ્ય આધારસ્થંભ છે. જેમ કે, જમીન ખોરાકનું મૂળ છે, નદીઓ પાણીનો સ્ત્રોત તો વૃક્ષ ઓક્સિજનનો સ્ત્રોત. જો આ બધું ખતમ થવા લાગે તો પ્રગતિ ભલે આકાશે આંબે પણ જીવન તો અધૂરું જ રહેશે. કદાચ અશક્ય પણ બની શકે. દરેક વ્યક્તિ જો એવું ઈચ્છે કે ટેક્નોલોજી કે ઔદ્યોગિક વિકાસ ગમે તેટલો થાય, પણ પ્રકૃતિને તો નુકસાન નહીં જ પહોંચાડીએ. નહીંતર થશે એવું કે આજે વિકાસ તો કરીએ છીએ સાથે સાથે આવતીકાલને વિનાશના ઓથે મુકીએ છીએ.

માણસ જો ધારે તો પ્રકૃતિનું ધ્યાન રાખી શકે છે. જેમ કે, પ્લાસ્ટિકનો ઉપયોગ નહીંવત કરવો, જાહેર વાહનોનો ઉપયોગ વધારવો, સૂર્યઉર્જાને લગતા દરેક ઉપકરણો ફરજિયાત વસાવવા, ઉદ્યોગોના ગંદા પાણીનું રિસાઈકલ કરવું, નદીઓ કે તળાવોમાં ગટરોનું ગંદુ પાણી ફિલ્ટર વગર જતું રોકવું, દરેક સોસાયટી, સ્કૂલો, કોલેજો, જાહેર જગ્યાઓ કે રસ્તાઓ પર ફરજિયાત વૃક્ષો વાવવા વગેરે અનેક સરળ રસ્તાઓ છે જે જીવનમાં અમલ કરવાથી આવનારી પેઢી શુદ્ધ હવા મેળવી શકે. વાસ્તવમાં ઊર્જાના મુખ્ય ત્રણ સ્ત્રોતો છે, સૌર ઊર્જા, પવન ઊર્જા અને હાઈડ્રો ઊર્જા.

માનવજાત જો પ્રકૃતિને પાછળ રાખીને આગળ વધશે તો એક દિવસ જરૂૂર વિકાસ અટકી જશે. જયારે સરકાર ખુદ આકરા વલણે પ્રકૃતિની સાથે પ્રગતિ કરશે તો જ માનવજાત, વિજ્ઞાન, આપણો સમાજ અને ભવિષ્ય એમ ચારેય પ્રગતિ કરશે. પ્રકૃતિ વગરની પ્રગતિ એ એક મહાવિનાશ છે, જે આજે આપણે કરોડોના ફાયદા જોઈને કરી તો રહ્યા છીએ, પરંતુ એનું પરિણામ કેટલું ભયાવહ આવશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દરેક માણસ આવનારી પેઢી માટે દોલત એકઠી કરી રહ્યો છે. કમાણી કરવી કોઈ ખરાબી નથી, પણ વૃક્ષ, હવા, પાણી, જમીનને નુકસાન કરીને કમાણી કરવી એ ખરાબ છે.

આવનારા સમયને સંપત્તિ કરતાં પ્રકૃતિનો સાથ વધુ જોશે. ફક્ત વૃક્ષારોપણથી કંઈ નહીં વળે, આ માટે નદીઓના પાણી ચોખ્ખા રાખવા, શક્ય એટલા વધુ ચેક ડેમો બંધાવવા, ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન, જમીનો પર વધુ પડતું કોંક્રિટનું જંગલ બનાવતા અટકાવવું, દરેક ઉદ્યોગોમાં શુદ્ધિકરણ પ્લાન્ટ ફરજિયાત જેવી ઘણી બધી સવલતોથી મુસીબતોને અટકાવી શકાય તેમ છે. જો સમયસર નહીં ચેતીએ તો વૈભવશાળી મકાનો કે લક્ઝરી વાહનો આવનારી પેઢીને નહીં બચાવી શકે.

અંતે, જો પ્રકૃતિનું સંતુલન તૂટશે તો માનવજાત ટકી શકશે નહીં. આ માટે આજે નહીં અત્યારથી જ બદલાવ લાવવો ખૂબ જરૂૂરી છે. પર્યાવરણનું રક્ષણ કરવું એ કોઈ પ્રોજેક્ટ નહીં, પણ તે માનવજાતનું જીવનકવચ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *