સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જસાણી કોલેજ, રાજકોટમાં બીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી પ્રતિભાશાળી સ્વિમર પ્રીશા રિતેશભાઈ ટાંકએ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્વિમિંગ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. તારીખ 8/12/2025ના રોજ યોજાયેલી સૌરાષ્ટ્ર ઇન્ટર કોલેજ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પ્રીશાએ અલગઅલગ ઇવેન્ટ્સમાં ભાગ લઈ 5 ગોલ્ડ મેડલ તેમજ ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી શ્રેષ્ઠતા સાબિત કરી હતી.
આ ઉપરાંત પોરબંદર ઓપન વોટર સી સ્વિમિંગ નેશનલ ચેમ્પિયનશિપમાં 1 કિ.મી. ઇવેન્ટમાં ત્રીજો ક્રમ તથા 5 કિ.મી. ઇવેન્ટમાં બીજો ક્રમ મેળવી મેડલ અને ટ્રોફી પ્રાપ્ત કરી હતી. તારીખ 5/1/2026ના રોજ દીવ ખાતે યોજાયેલી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ નેશનલ ચેમ્પિયનશિપમાં ઓપન વોટર સી સ્વિમિંગમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી પ્રીશાએ ઉત્કૃષ્ટ પ્રયાસ સાથે 12મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જે ખેલો ઇન્ડિયા સિલેક્શન માટે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે.
તે ઉપરાંત તારીખ 19/1/2026ના રોજ વડોદરા ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં અલગઅલગ ઇવેન્ટ્સમાં ભાગ લઈ 2 ગોલ્ડ મેડલ તથા 1 સિલ્વર મેડલ મેળવી પોતાની પ્રતિભાનો વધુ એક વખત પરિચય આપ્યો. આ રીતે માત્ર એક મહિના દરમિયાન પ્રીશા રિતેશ ટાંકે કુલ 8 મેડલ તથા 3 ટ્રોફી જીતવાની પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી છે.
આ સફળતા બદલ જસાણી કોલેજના શાસ્ત્રી ફાલ્ગુનીબેન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હરીશભાઈ રાબા, સ્વિમિંગ કોચ નિમીષ ભારદ્વાજ, તથા રેસકોર્સ સ્વિમિંગ પૂલના સંચાલક બંકિમભાઈ જોષી દ્વારા ખેલાડીને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
આ ઝળહળતી સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ માન. ડો. ઉત્પલ જોશી, રજીસ્ટ્રાર સાહેબ તથા ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા દ્વારા પ્રીશા રિતેશ ટાંકને અભિનંદન પાઠવી ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
