સોસાયટીમાં પ્રી-પ્રાઇમરી સ્કૂલ ચલાવી શકાય નહીં : કોર્ટનો મહત્વનો ચૂકાદો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં રહેણાંક મિલકતમાંથી ગેરકાયદેસર રીતે ચાલતી પ્રી-પ્રાઇમરી સ્કૂલ સામે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે લાલ આંખ કરીને તેના સંચાલન પર મનાઈહુકમ…

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં રહેણાંક મિલકતમાંથી ગેરકાયદેસર રીતે ચાલતી પ્રી-પ્રાઇમરી સ્કૂલ સામે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે લાલ આંખ કરીને તેના સંચાલન પર મનાઈહુકમ (સ્ટે) ફરમાવ્યો છે. કોર્ટે પોતાના મહત્વના અવલોકનમાં સ્પષ્ટ કર્યું હતું કે અન્ય કોઈ સરકારી કે વૈધાનિક સત્તામંડળોની મંજૂરી મળી ગઈ હોય તો પણ સોસાયટીના ઉપનિયમો (બાયલોઝ) નો ભંગ કરીને રહેણાંક મિલકતનો ઉપયોગ વ્યાપારી હેતુ માટે આપોઆપ થઈ શકતો નથી. પોતાના આ ચુકાદા માટે કોર્ટે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા વિવિધ કાનૂની ચુકાદાઓનો સંદર્ભ પણ આપ્યો હતો.

આ સમગ્ર કાનૂની વિવાદ ત્યારે શરૂૂ થયો જ્યારે અંકુર સોસાયટીને જાણ થઈ કે તેના એક સભ્યએ સોસાયટીની પૂર્વ મંજૂરી લીધા વિના પોતાની મિલકત અન્ય તૃતીય પક્ષને ભાડે આપી દીધી હતી અને ત્યાં પ્રી-પ્રાઇમરી સ્કૂલ શરૂૂ કરી દેવામાં આવી હતી.

સોસાયટી દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે રહેણાંક વિસ્તારમાં શાળા ચલાવવાથી રહીશોની શાંતિ હણાય છે, વાહનોની અવરજવર અને પાર્કિંગની ગંભીર સમસ્યાઓ સર્જાય છે તેમજ સુરક્ષા સામે પણ જોખમ ઊભું થાય છે. આ ઉપરાંત મિલકતમાં કરવામાં આવેલા બિનઅધિકૃત બાંધકામ અને ફેરફારો સામે પણ મનાઈહુકમ માંગવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે ટ્રિબ્યુનલમાં રિવિઝન પિટિશન ફાઈલ કરવા માટે સમય માંગતા કોર્ટે પ્રાથમિક તબક્કે 29 ઓક્ટોબર સુધીનો બે દિવસનો વચગાળાનો સ્ટે આપ્યો હતો, જેની સામે સોસાયટીએ તાત્કાલિક પડકાર ફેંક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *