પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, 24મી સુધીમાં વરસાદની આગાહી

ગુજરાતમાં હાલ ઉનાળાની સિઝન ચરમસીમાએ પહોંચી છે. હવામાન વિભાગના વેધર રિપોર્ટ મુજબ, સમગ્ર રાજ્ય, દીવ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે.…

ગુજરાતમાં હાલ ઉનાળાની સિઝન ચરમસીમાએ પહોંચી છે. હવામાન વિભાગના વેધર રિપોર્ટ મુજબ, સમગ્ર રાજ્ય, દીવ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે. સૂર્યનારાયણના પ્રકોપના કારણે મોટાભાગના શહેરો અગનભઠ્ઠીમાં ફેરવાયા છે અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે આગામી દિવસોમાં આંશિક ગરમી ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની આગાહી કરી. તેમના જણાવ્યા મુજબ 24 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. સ્થાનિક હવામાન વિભાગની આગાહી અનુસાર, મધ્ય ગુજરાત અને અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે, જેથી નાગરિકોને બપોરના સમયે આકરી ગરમીનો સામનો કરવો પડશે.

હવામાન વિભાગ (ઈંખઉ) ના અહેવાલ મુજબ, આગામી સાત દિવસમાં ગુજરાતમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ સાથે મહત્તમ તાપમાન 40ઓઈ થી 44ઓઈ ની આસપાસ રહેવાની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આકરી ગરમી સાથે ઉકળાટનો અનુભવ થતો રહેશે. આ સાથે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 24 કલાકમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.

આ તરફ ગરમીના પ્રકોપ વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસું દક્ષિણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફ પ્રગતિ કરે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. હાલ પૂરતું ગુજરાતમાં ગરમીનું જોર યથાવત રહેશે. નાગરિકોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશથી બચવા અને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આંદામાન-નિકોબાર દ્વીપ વિસ્તારમાં 23 મે સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ ચોમાસાની ગતિવિધિ શ્રીલંકાના પૂર્વ કિનારા તરફ સક્રિય બનશે અને 26 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચોમાસું 10 જૂન સુધી મુંબઈ સુધીના વિસ્તારોમાં પહોંચી શકે છે, જ્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. આ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં એક ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દ્વારકા, પોરબંદર અને જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બની શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાંથી આવનારા ભેજના કારણે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *