સ્વામીનારાયણ હરિધામ સોખડા મંદિરના વિવાદમાં પ્રબોધજીવન સ્વામી જૂથ દ્વારા અગાઉ સંયુક્ત ચેરીટી કમિશનર કચેરી, વડોદરા ખાતે પિટિશન કરી હતી. જેને તાજેતરમાં પરત ખેંચી લેવામાં આવી છે. આ વાતની ગંભીર નોંધ લઇને પ્રબોધજીવન સ્વામી જૂથને રૂૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું અહેવાલ થકી સામે આવ્યું છે. હરિધામ સોખડાના સ્થાપર હરિપ્રસાદ સ્વામીના અક્ષરધામ ગમન બાદ પ્રબોધજીવન સ્વામી અને પ્રેમ સ્વરૂૂપ સ્વામી જૂથ વચ્ચે વિવાદ શરૂૂ થયો હતો. આ મામલે હાઇકોર્ટમાં થયેલી પિટિશન દરમિયાન હરિધામ સોખડા ત્યજનાર 179 સંતો અને અન્યએ ટ્રસ્ટની જ માલિકીની આણંદ નજીકના બાકરોલ તથા અમદાવાદ ખાતેની મિલ્કતમાં વચગાણાની વ્યવસ્થા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ મામલાની સુનવણીના અંગે જુલાઇ 22 માં હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે પિટિશનનો નિર્ણય કરીને વચગાળાની વ્યવસ્થા સમાપ્ત કરી દીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.
જે બાદ પ્રબોધ જીવન સ્વામી જૂથના ધરમદીપ પટેલ અને અમિષ દેસાઇએ સંયુક્ત ચેરીટી કમિશનર, વડોદરાની કચેરીમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં વચગાળાની રાહત ચાલુ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેની સામે હરિધામ સોખડા તરફથી હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. ત્યાર બાદ લાંબી કાનુની લડત ચાલી હતી. જે છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. જે બાદ પણ પ્રબોધજીવન સ્વામી જૂથને રાહત મળી ન્હતી. અંતે તાજેતરમાં સંયુક્ત ચેરીટી કમિશનર, વડોદરાની કચેરીમાં કરવામાં આવેલી મૂળ પિટિશન પરત ખેંચવામાં આવી હતી. જે બાબતની ગંભીર નોંધ લઇને ચેરીટી કમિશનર દ્વારા રૂૂ. 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે.
જો કે, પ્રબોધજીવન સ્વામી જૂથ દ્વારા મીડિયાને જણાવાયું છે કે, બાકરોલ અને અમદાવાદની મિલકતમાં રહેવા માટેની વ્યવસ્થાનો વિવાદ સિવિલ કેસ છે. આ અંગે આણંદ અને અમદાવાદની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. બંને કેસ હજી પેન્ડિંગ છે. બાકરોલની મિલ્કત ખાલી કરવાનો કોઇ જ હુકમ થયો નથી.