રાજ્યમાં ભાગીને કરવામાં આવતા લગ્નો અને તેના બાદ થતી નોંધણીને લઈ ગુજરાત સરકાર હવે કડક નિયમો લાવવાની તૈયારીમાં છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં લગ્ન નોંધણી સંબંધિત સુધારેલા નિયમોને મંજૂરી આપવામાં આવે તેવી શકયતા છે. આ નવા નિયમો અમલમાં આવ્યા બાદ ભાગેડુ લગ્નોની નોંધણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળશે.સરકારના પ્રસ્તા
વ મુજબ, હવે ભાગીને કરાયેલા લગ્નોની નોંધણી માટે તલાટી કમ મંત્રી સીધી મંજૂરી આપી શકશે નહીં.
તલાટી કમ મંત્રી દ્વારા લગ્ન નોંધણીની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરીને ફાઈલ ક્લાસ-2 અધિકારીને મોકલવામાં આવશે. ક્લાસ-2 અધિકારીની મંજૂરી વગર કોઈ પણ લગ્ન નોંધણી માન્ય ગણાશે નહીં.
નવા નિયમોમાં વધુ એક મહત્વપૂર્ણ જોગવાઈ ઉમેરવામાં આવી છે કે ભાગીને લગ્ન કરનાર યુવક-યુવતીની નોંધણી પ્રક્રિયા દરમિયાન તેમના માતા-પિતાને ફરજિયાત નોટિસ મોકલવામાં આવશે. નોટિસ મળ્યાના 30 દિવસની અંદર યુવક-યુવતીના માતા-પિતા અથવા વાલી પોતાનો જવાબ રજૂ કરી શકશે. જો આ સમયગાળામાં કોઈ વાંધો કે રજૂઆત આવે તો તેની તપાસ કર્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી ભાગીને લગ્ન બાદ કાયદાકીય વિવાદો, સામાજિક તણાવ અને ફરિયાદોના કિસ્સાઓમાં વધારો થયો છે. ઘણી વખત ઉતાવળમાં લેવાયેલા નિર્ણયોના કારણે યુવતી તેમજ તેના પરિવારને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સરકાર લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ જવાબદાર અને પારદર્શક બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. લગ્ન પહેલાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવાની માંગને પણ વધુ વેગ મળ્યો છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનોના પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળીને આ મુદ્દે રજૂઆત કરી હતી. સમાજની માંગ છે કે હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરીને સંતાનોના લગ્ન પહેલાં માતા તથા પિતાની લેખિત પૂર્વસંમતિ ફરજિયાત કરવામાં આવે.
