જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કાર્યવાહી શરૂૂ થાય તે પહેલા જ આજે સદનનું વાતાવરણ ગરમાયું હતું. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર કાશ્મીરના રાજકારણમાં જોવા મળી હતી. નેશનલ કોન્ફરન્સ (NC) અને પીડીપી (PDP) ના ધારાસભ્યોએ વિધાનસભા સંકુલમાં ઈરાનના સમર્થનમાં અને ઈઝરાયેલ-અમેરિકાના વિરોધમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું.
વિધાનસભાની કાર્યવાહી શરૂૂ થતાની સાથે જ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો ગૃહના વેલમાં ઉતરી આવ્યા હતા. ધારાસભ્યોના હાથમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામૈની ની તસવીરો અને પોસ્ટર હતા. ધારાસભ્યોએ ‘ઈઝરાયેલ મુર્દાબાદ’ અને અમેરિકા વિરોધી નારા લગાવીને વાતાવરણ તંગ બનાવી દીધું હતું. આ પ્રદર્શનનું નેતૃત્વ એનસી નેતા તનવીર સાદિક અને અન્ય ધારાસભ્યો કરી રહ્યા હતા.
વિપક્ષ અને સત્તાધારી પક્ષના કેટલાક ધારાસભ્યો સામસામે આવી જતા ગૃહમાં અરાજકતા ફેલાઈ હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. હોબાળાને કારણે વિધાનસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી અને સ્પીકરે ગૃહને 30 મિનિટ માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ પશ્ચિમ એશિયાના યુદ્ધ મુદ્દે ચર્ચા કરવા માટે ગૃહમાં સ્થગિત પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય માનવાધિકારોના ઉલ્લંઘન અને નિર્દોષોની હત્યા સામે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. વિધાનસભા સંકુલની બહાર પણ ભારે સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જોકે, ગૃહની અંદર અને બહાર ધારાસભ્યોની નારેબાજી અને વિરોધ પ્રદર્શન સતત ચાલુ રહ્યા હતા. આ હોબાળાને કારણે આજે વિધાનસભામાં અન્ય કોઈ મહત્વના કામકાજ પર ચર્ચા થવી મુશ્કેલ જણાઈ રહી છે.
