મોરબીના જેતપર ગામે હાલમાં ખાનગી કંપનીના વીજપોલ ખેડૂતોના ખેતરમાં ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જો કે, ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી અને કેટલું વળતર મળશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી ખેડૂતો દ્વારા આ કામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પહેલા ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે ત્યારબાદ કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જોકે કંપનીના માણસો દ્વારા પોલીસને આગળ કરીને હાલમાં ખેતરની અંદર વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેથી મંગળવારે બપોરે ખેડૂતો અને મહિલાઓ સહિતના લોકો કામ અટકાવવા માટે ખેતરે ગયા હતા ત્યારે પોલીસે મહિલાઓ અને ખેડૂતોને ડિટેઇન કર્યા હતા જેથી રોષે ભરાયેલા લોકોએ અણીયારી ચોકડીએ કચ્છ અમદાવાદ હાઈવેને ચક્કાજામ કરી દીધો હતો. જેથી કરીને હાઇવે ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતાં.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતના ખેતરની અંદર વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી કંપનીના માણસો દ્વારા શરૂૂ કરવામાં આવી છે જોકે ખેડૂતોને કેટલું વળતર મળશે તે અંગેની કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી કરીને પહેલાં વળતર આપવામાં આવે ત્યારબાદ ખેડૂતના ખેતરની અંદર વીજ પોલ ઊભા કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
અગાઉ જેતપર ગામે પોલીસ સાથે ખેડૂતોને ઘર્ષણ થયું હતું ત્યારે પોલીસે ખેડૂતોને ડિટેન કર્યા હતા જેથી તે સમયે જેતપર ગામે રોડ ચક્કાજામ કર્યો હતો ત્યાર બાદ ખેડૂતોને પોલીસ દ્વારા મુક્ત કરવામાં આવ્યા પછી રસ્તો ખોલવામાં આવેલ હતો. અને પછી જેતપર ગામે ખેડૂતોએ વળતરની માંગ સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ તથા ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં સભા યોજાઇ હતી.
તેમ છતાં પણ મંગળવારે બપોરના સમયે પોલીસને આગળ કરીને કંપનીના માણસો દ્વારા ખેડૂતના ખેતરની અંદર વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી ખેડૂતો અને મહિલાઓ તેના ખેતરે ગયા હતા અને ત્યાં કામ ચાલુ હતું તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે પોલીસે બળ પ્રયોગ કરીને ખેતરમાં આવેલ મહિલાઓ અને ખેડૂતોને ટિંગા ટોળી કરીને તેના જ ખેતરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ડિટેઇન કરવામાં આવ્યા હતા જેથી ખેડૂતો વધુ રોષે ભરાયા હતા અને કચ્છ અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ અણીયારી ચોકડી પાસે રસ્તાને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને કંપની દ્વારા વળતર આપ્યા વગર પોલીસને આગળ કરીને દાદાગીરીથી જે કામગીરી કરવામાં આવે છે તેનો વિરોધ કરવામાં આવેલ હતો.
અને જ્યાં સુધી પોલીસ દ્વારા ડિટેઇલ કરવામાં આવેલા ખેડૂતો અને મહિલાઓને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી અણીયારી ચોકડીએ રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી. ત્યાર બાદ પોલીસે બળપ્રયોગ કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
