સોમનાથમાં સોમવારે PM મોદીનો રોડ શો, કુંભાભિષેક અને મહાપૂજા

પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ નિમિત્તે પ્રદર્શન, સૂર્યકિરણ એર શો, હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા સહિતના કાર્યક્રમો સોમનાથ ભગવાનના સાન્નિધ્યમાં આગામી તા.11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યાં…

પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ નિમિત્તે પ્રદર્શન, સૂર્યકિરણ એર શો, હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા સહિતના કાર્યક્રમો

સોમનાથ ભગવાનના સાન્નિધ્યમાં આગામી તા.11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યાં છે. જેના ઉપલક્ષમાં કૃષિ અને પ્રવક્તામંત્રી જીતુભાઈ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ સોમનાથ સાગરદર્શન ખાતે આવેલા મિટિંગ હોલમાં યોજી હતી. આ અવસરે શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય અનિરૂૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

કૃષિમંત્રીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર અનેક આક્રાંતાઓએ હુમલો કર્યાં છતાં આજે પણ સોમનાથ મંદિર સનાતન ધર્મની અડગ શ્રદ્ધા અને વધુ ભવ્યતા સાથે અડિખમ ઉભું છે.
સરદાર વલ્લભભાઇ પટેલનો ઉલ્લેખ કરતાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે સરદાર સાહેબે સોમનાથની મુલાકાત કરી એ સમયે સોમનાથ મંદિરનાં જીર્ણશીર્ણ અવશેષો જોઈ સરદાર દ્રવિત થઈ ઉઠ્યા અને સમુદ્ર જળ હાથમાં લઇ સોમનાથનાં પુન: નિર્માણ માટે સંકલ્પ કર્યો હતો અને 11 મે 1951 ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદજીના કરકમળો દ્વારા સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઇ હતી. જેને તા.11 મેના રોજ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. તેના ઉપલક્ષમાં આ ’અમૃત પર્વ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.વડાપ્રધાનને આવકારવા માટે સોમનાથમાં અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે તેની વિગતો આપતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 11 મેના રોજ જામનગરથી સવારે સોમનાથ પધારશે. અહીં હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ શો યોજીને જનતાનું અભિવાદન ઝીલશે. માર્ગમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે.

રોડ શો અંગે વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ત્રિવેણી હેલિપેડ થી વીર હમિરજી ગોહિલની પ્રતિમા સુધી 1 કિલોમીટરનો રોડ શો કરશે. જેમાં 12 જ્યોતિર્લિંગ બેકડ્રોપ સહિત વિવિધ રાજ્યોની સંસ્કૃતિને રજૂ કરતાં નૃત્યો પણ દર્શાવવામાં આવશે.મંદિર પરિસરના કાર્યક્રમો અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ઋષિકુમારો અને આહિર બહેનો પરંપરાગત પહેરવેશમાં વડાપ્રધાનનું મંદિર પરિસરમાં રંગેચંગે સ્વાગત કરશે. બંગાળી પરિવારો પણ પરંપરાગત પરિવેશમાં આ અવસરે વડાપ્રધાનનું સ્વાગત કરશે. મંદિરમાં વડાપ્રધાન દ્વારા કુંભાભિષેક, ધ્વજ પૂજા, મહાપુજા કરવામાં આવશે. આ દરમિયાન સૂર્યકિરણ વિમાનનો એર-શો અને મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે.

મંદિર પરિસરના કાર્યક્રમો પછી વડાપ્રધાન સદભાવના મેદાન ખાતે જનસભાને સંબોધિત કરશે. આ રીતે, વડાપ્રધાનની ગરિમામય ઉપસ્થિતિમાં આસ્થા અને અસ્મિતાના દિવ્ય 75 વર્ષ નિમિત્તે ’સોમનાથ અમૃત પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સોમનાથ મંદિર પરિસરમાં અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને રાષ્ટ્રીય આત્મગૌરવનું જીવંત પ્રતિક બનીને ઊભું છે. ત્યારે ‘સોમનાથ અમૃત પર્વ’ની ઉજવણી થકી શ્રદ્ધાળુઓ આદ્યાત્મિક અનુભવ મેળવશે એવી અભિલાષા મંત્રીએ વ્યક્ત કરી હતી. સોમનાથના કાર્યક્રમ બાદ વડાપ્રધાન વડોદરા જઈ સરદાર ધામ શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરશે.

યાત્રીકોનું ગરબા અને પુષ્પવર્ષા સાથે સ્વાગત

સોમનાથ અમૃત પર્વ અંતર્ગત આજે મધ્યપ્રદેશથી 1185 શ્રદ્ધાળુઓ સાથેની ખાસ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના ગરબા સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા પધારેલા ભાવિક ભક્તોનું ભવાય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનથી બહાર નીકળતા તમામ યાત્રાળુઓ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. ઢોલના તાલે ગરબા અને શરણાઈના સૂરો સાથે સ્વાગત થતાં શ્રદ્ધાળુઓએ પણ તેમનો ઉમળકો દર્શાવ્યો હતો. દાંડિયા સાથે ગરબા રમી યાત્રાળુઓએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *