અમિતાભ બચ્ચનના ઘર પર ફાયરિંગના ષડયંત્રનો પર્દાફાશ, બે શુટરની ધરપકડ

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં આવેલા તેમના બંગલા ‘જલસા’ની બહાર ફાયરિંગ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો…

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં આવેલા તેમના બંગલા ‘જલસા’ની બહાર ફાયરિંગ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. આ મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 2 શંકાસ્પદ શૂટરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિદેશમાં બેઠેલા એક ગેંગસ્ટરના ઇશારે અમિતાભ બચ્ચનના ઘરની બહાર ગોળીબાર કરવાની યોજના બનાવવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ વિકાસ ઠાકુર ઉર્ફે વિકી અને દીપક સિંહ ઉર્ફે દીપ તરીકે થઈ છે. વિકાસ જલંધરનો રહેવાસી છે, જ્યારે દીપક પંજાબના તરનતારનનો રહેવાસી છે. તપાસમાં ખુલાસો થયો છે કે દીપક સિંહને મુંબઈમાં વધુ સમય રોકાવા માટે સૂચના આપવામાં આવી હતી. તેનો હેતુ અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ની બહાર ફાયરિંગ કરવાનો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશમાં બેઠેલો ગેંગસ્ટર અમિતાભ બચ્ચનને 1984ના શીખ વિરોધી રમખાણો અંગેના તેમના કથિત નિવેદનને લઈને નિશાન બનાવવા માગતો હતો. જોકે, અમિતાભ બચ્ચન અગાઉ આવા નિવેદનો આપવાનો ઇનકાર કરી ચૂક્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, વિકાસ ઠાકુરને મુંબઈથી દિલ્હી મોકલવામાં આવ્યો હતો. તેને દિલ્હીના એક વેપારી પર ખંડણીના ઇરાદે ફાયરિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ હુમલામાં દીપક પણ તેની સાથે જોડાવાનો હતો. જોકે, પોલીસએ હુમલો થાય તે પહેલાં જ વિકાસને ઝડપી લીધો હતો. ત્યારબાદ તપાસ દરમિયાન દીપકનું લોકેશન મુંબઈમાં મળ્યું હતું, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

દીપક સિંહ અમૃતસરમાં 3 ઓક્ટોબરે થયેલી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર મેડ સંધુની હત્યાના કેસમાં પણ વોન્ટેડ હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યામાં તેની સાથે પલવિંદર ઉર્ફે કાકા પણ સામેલ હતો, જેની પંજાબ પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે વિકાસ ઠાકુર વર્ષ 2023થી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને ગેરકાયદેસર હથિયારો પૂરા પાડતો હોવાનો આરોપ છે. તે અન્ય ગુનાહિત નેટવર્ક સાથે પણ જોડાયેલો હોવાની આશંકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *