અમેરિકામાં ભારતીય મૂળના લોકો અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાના કથિત કાવતરાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. અમેરિકાના ઇલિનોયમાં 19 વર્ષનો એક યુવક હિંદુ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી નવરાત્રીના પવિત્ર અવસર દરમિયાન હુમલો કરવાની તૈયારીમાં હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ એલેક્ઝેન્ડ્રોસ પેપોરાકિસ તરીકે થઈ છે. તપાસ દરમિયાન પોલીસને એક મેનિફેસ્ટો મળી આવ્યો હતો, જેમાં શ્વેત વર્ચસ્વવાદી ચરમપંથી વિચારધારાનો ઉલ્લેખ હતો. દક્ષિણ એશિયાઈ અને ખાસ કરીને ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હિંસા આચરવાની વાતો પણ આ દસ્તાવેજમાં લખેલી હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ એક સતર્ક નાગરિકની માહિતીને આધારે થયો હતો. માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસને આરોપી દ્વારા મોકલવામાં આવેલા શંકાસ્પદ સંદેશા અને દસ્તાવેજ અંગે જાણ કરવામાં આવી હતી. દસ્તાવેજમાં મોટા પાયે ગોળીબાર કરવાની યોજના તથા રાઇફલ અને બોડી આર્મર જેવાં સાધનોની તસવીરો હોવાની માહિતી સામે આવી હતી.
પોલીસે આરોપીના ઘરે તપાસ હાથ ધરતાં એક રાઇફલ, અનેક ભરેલી મેગેઝીન, સેંકડો રાઉન્ડ દારૂગોળો અને ટૅક્ટિકલ સાધનો કબજે કર્યા હતા. આ ઉપરાંત, શ્વેત વર્ચસ્વવાદી ચરમપંથી વિચારધારા સાથે જોડાયેલા ચિહ્નો ધરાવતી ટૅક્ટિકલ વેસ્ટ પણ મળી આવી હતી.
આરોપીની 11 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે અને આગામી 30 ઓક્ટોબરે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ઓરોરા વિસ્તારનાં હિન્દુ ધાર્મિક સ્થળોને સંભવિત ખતરા અંગે જાણ કરી સાવચેત રહેવા જણાવ્યું હતું. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સમયસરની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે.હાલ આ મામલે એફબીઆઈના સહયોગથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની સતર્કતાને કારણે સંભવિત હુમલાનું કાવતરું સમયસર બહાર આવ્યું છે. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ જ આ કેસની તમામ વિગતો સ્પષ્ટ થશે.
