ગોંડલ બસ સ્ટેશનમાં છેલ્લા કેટલાય સમયથી ખિસ્સા કાતરૂઓનો ત્રાસ વધી ગયો છે. ખિસ્સા કપાવવાના રોજ બરોજના બનતા હોય છતાં કોઈ પગલા લેવાતા નથી. પોલીસ પણ બસસ્ટેશનમાં ડોકાતી ન હોવાની લોકોની ફરિયાદ છે.
ગોંડલ તાલુકાના સૌ જેટલા ગામોના મહત્વના મથક એવા શહેરમાં આવેલા બસ સ્ટેશનમાં કેટલાક સમયથી ખિસ્સા કાતરુનો ત્રાસ વધી ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં અહીેં ખરીદી કે કૃષિ જણસના વેચાણ માટે મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે. વળી ગ્રામ્ય વિસ્તારમાં અત્રે અભ્યાસ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આવે છે.
આ ઉપરાંત શહેરમાં મોટી સંખ્યામાં નોકરીઓમાં શાપર-રાજકોટ, જેતપુર, જૂનાગઢ વગેરે શહેરમાં અપડાઉન કરે છે. જેમાંના મોટા વિભાગના એસ.ટી. બસનો ઉપયોગ કરે છે.
બસ સ્ટેશનમાં દરરોજ મોટી સંખ્યામાં અવર જવર થતી હોવા છતાં બસ સ્ટેશનમાં પોલીસની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખિસ્સા કાતરુઓને મોકળુ મેદાન મળી જાય છે. ખિસ્સા કપાતા કે ચીજવસ્તુ ગુમ થઈ જવાના બનાવો બનતા હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરાતી નથી પાકીટ ઉપડી જવા કે ખિસ્સા કપાઈ જવા અંગે ફરિયાદ કરવા જતા કોઈ ઉકેલ આવતો નથી. ગ્રામ્ય વિસ્તારમાં આવતા લોકોના ખિસ્સા હળવા થઈ જતાં તેઓની સ્થિતિ કઠીન બની જાય છે.
એસ.ટી. બસ પ્લેટફોર્મ ઉપર મુકાવાના સમયે બસમાં ચડવા માટે ધકકામુક્કી થાય છે ત્યારે જ આવા બનાવો બનતા હોવાથી પોલીસની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તો આવા બનાવો અટકે.
આ ઉપરાંત બસ સ્ટેશનમાં જ શાળાઓ છુટવાના સમયે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓની અવર જવર સમયે બસ સ્ટેશનમાં અમુક આવારા તત્વો એકઠા થતાં હોય વિદ્યાર્થીનીઓની છેડતી રોકવા પણ પોલીસ તંત્ર કંઈક કરવું જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.
