માર મારવા-અટકાયતના ગુનામાં PI-PSI દોષમુક્ત જાહેર

  જામનગરના ડિફેન્સ કોલોનીમાં રહેતા ભાવસંગ રાઠોડ દ્વારા સીટી પસીથ ડિવિઝન પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઈ. જોષી અને પી.એસ.આઈ. મહેતા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો ગેરકાયદેસર રીતે…

 

જામનગરના ડિફેન્સ કોલોનીમાં રહેતા ભાવસંગ રાઠોડ દ્વારા સીટી પસીથ ડિવિઝન પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઈ. જોષી અને પી.એસ.આઈ. મહેતા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશને બોલાવી ગોંધી રાખી માર મારવા, ગાળો આપી અપમાનિત કરવાના કેસમાં અદાલતે બંને આરોપી પોલીસ અધિકારીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

કેસની હકીકત એવી હતી કે ફરિયાદી ભાવસંગ રાઠોડના પુત્ર સંજયસિંહ કોઈ ગુનો કરીને ફરાર હતા અને પોલીસ તેમને શોધી રહી હતી. ફરિયાદી ભાવસંગ રાઠોડનો આક્ષેપ હતો કે જ્યારે તેઓ ઘરે હાજર ન હતા ત્યારે સીટી પસીથ ડિવિઝનના પોલીસ કર્મચારીઓએ તેમના ઘરે જઈ તેમની પત્ની અને પુત્રવધૂને ધમકી આપી હતી કે તેમના પુત્ર સંજયસિંહ અને પતિ ભાવસંગને બીજા દિવસે સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશનમાં હાજર કરી દેવામાં આવે, નહીં તો સારું નહીં થાય. હાજર થવાનું કારણ પૂછતાં પોલીસે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું.

ફરિયાદી ભાવસંગ રાઠોડ અને તેમના પત્ની બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે પી.આઈ. જોષી અને પી.એસ.આઈ. મહેતાએ તેમના પુત્ર સંજયસિંહને તાત્કાલિક હાજર કરવાનું કહ્યું હતું અને ત્યારબાદ પી.આઈ. જોષીએ ફરિયાદી ભાવસંગને તેમની પત્ની સામે પટ્ટાથી માર માર્યો હતો. વધુમાં, ફરિયાદી ભાવસંગ અને તેમના પત્નીને સવારથી રાત્રિ સુધી ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને કોઈપણ કારણ વગર માર મારી, ધમકીઓ આપી અને ગાળો બોલીને છોડી મૂકવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે ભાવસંગ રાઠોડે અદાલતમાં ખાનગી ફરિયાદ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી અને સાહેદોની જુબાની લેવામાં આવી હતી અને દલીલો રજૂ કરવામાં આવી હતી. ફરિયાદી પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદીએ કોઈ ગુનો કર્યો ન હોવા છતાં અને તેમની વિરુદ્ધ કોઈ એફ.આઈ.આર. નોંધાયેલી ન હોવા છતાં, પોલીસે તેમના પુત્ર અંગે કોઈ સ્પષ્ટતા કર્યા વિના ફરિયાદી અને તેમના પત્નીને અપમાનજનક સ્થિતિમાં મૂકીને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યા અને સત્તાનો દુરુપયોગ કરીને માર માર્યો હતો. ફરિયાદી પક્ષે દલીલ કરી હતી કે આ કૃત્યથી પોલીસની સમાજમાં રહેલી શાખ પર પ્રશ્ન ઊભો થાય છે અને જો પોલીસ દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવે તો કાયદો અને ન્યાય વ્યવસ્થા પર પણ સવાલ ઊભો થાય છે. તેથી, ભવિષ્યમાં કોઈ પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે તે માટે બંને આરોપી પી.આઈ. જોષી અને પી.એસ.આઈ. મહેતાને કાયદા મુજબ સખત સજા અને ફરિયાદીને વળતર આપવું જોઈએ.

તેની સામે આરોપી પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે કેસમાં કોઈ મેડિકલ પુરાવો નથી. તેમના પુત્રએ ગુનો કર્યો હોવાથી પોલીસે તેને હાજર કરવા માટે ઘરે જઈને તેમને બોલાવ્યા હતા, જે પોલીસની ફરજનો ભાગ છે. આરોપી પક્ષે દલીલ કરી હતી કે જો પોલીસ સામે આ રીતે પાયાવિહોણા આક્ષેપો થતા રહેશે તો ગુનેગારો ગુનો કરીને નાસી જશે અને પોલીસ તેમને શોધવાનો પ્રયત્ન નહીં કરે, અને જો કરશે તો પરિવારમાંથી કોઈ ફરિયાદ કરીને પોલીસને ફસાવી દેશે, જે સમાજમાં એક ખોટો ટ્રેન્ડ બની જશે અને પોલીસ તેમની ફરજ બજાવી શકશે નહીં. વધુમાં, આરોપી પક્ષે જણાવ્યું હતું કે ફરિયાદીને માર મારવામાં આવ્યો હોય કે તેમને ગોંધી રાખવામાં આવ્યા હોય તેવો કોઈ નક્કર પુરાવો નથી, માત્ર આક્ષેપોના આધારે થાણા અધિકારી અને તેમના સહકર્મચારી પોલીસ અધિકારીઓને સજા કરી શકાય નહીં. આ દલીલોની સાથે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ચુકાદાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

નામદાર અદાલતે તમામ હકીકતોને ધ્યાને લઈને આરોપી પક્ષની દલીલોને માન્ય રાખી અને પી.આઈ. જોષી અને પી.એસ.આઈ. મહેતાને આ ગુનામાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં બંને પોલીસ અધિકારીઓ તરફથી વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા અને નિતેશ જી. મુછડીયા રોકાયેલા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *