રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) અને એનસીપી (અજીત પવાર)નું જૂથ ભેગા થઈ રહ્યા છે એવી વાતો વચ્ચે રાજ્યમાં અજીત પવારના નિધન બાદ જે પણ ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે તે અંગે શરદ પવારે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે એનસીપીના બે જૂથો વચ્ચે જે વાતચીત થઈ રહી હતી તે સકારાત્મક દિશામાં આગળ વધી રહી હતી. પરંતુ તેનું પરિણામ શું આવશે તે હવે સંબંધિત નેતાઓના નિર્ણય પર નિર્ભર રહેશે. શરદ પવારે કહ્યું કે બંને પક્ષોમાં વાતચીત વધારવાની કોશિશ થઈ હતી અને ચર્ચા સકારાત્મક હતી. હવે આગળ શું થશે તે વાતચીતમાં સામેલ રહેલા નેતાઓએ નક્કી કરવાનું છે. તેમણે એ પણ કહ્યું કે વાતચીતમાં અજીત પવાર અને જયંત પાટીલ સક્રિય રીતે સામેલ હતા અને હવે અંતિમ નિર્ણય જયંત પાટીલ કરશે.
અજીત પવારના પત્ની સુનેત્રા પવારને રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવવા મુદ્દે પ્રશ્ન પૂછાયો તો શરદ પવારે કહ્યું કે આ નિર્ણય એનસીપીનો હતો. પવાર પરિવારને આ અંગે ભરોસામાં લેવાયો નહતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને પ્રતિક્રિયાથી અલગ રખાયા હતા તો તેમણે કહ્યું કે મને ખબર નથી. તેમને એ પણ પૂછવામાં આવ્યું કે આ સમગ્ર નિર્ણય પર આટલી ઉતાવળ કેમ દેખાડવામાં આવી તો પવારે સવાલ ટાળતા કહ્યું કે તમે મને કેમ પૂછો છો? ભાજપ સાથે ગઠબંધન ઉપર પણ શરદ પવારે મોટું નિવેદન આપ્યું તેમણે કહ્યું કે હું ભાજપ સાથે કેમ જઉ? અમારી વિચારધારા બિલકુલ અલગ છે. તેમના આ નિવેદનથી એવી તમામ અટકળો પર હાલ તો પૂર્ણવિરામ લાગ્યું છે જેમાં કહેવાતું હતું કે શરદ પવાર ભાજપ સાથે ભળશે અને બંને જૂથોની એક્તા ભાજપની શરતો પર આગળ વધી શકે છે.
ભત્રીજા અને રાજ્યના ડેપ્યુટી સીએમ અજીત પવારના પ્લેનક્રેશમાં નિધન પર અને તેની તપાસ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અકસ્માત તો અકસ્માત જ હોય છે. પવારે કહ્યું કે સિવિલ એવિએશન વિભાગ તપાસ કરી રહ્યું છે અને સીઆઈડી તપાસ પણ જાહેર કરવામાં આવી છે. આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા છે કે અજીત પવારના પત્ની સુનેત્રા પવાર તેમની જગ્યા લેશે અને રાજ્યના ડેપ્યુટી સીએમ બનશે. આજે સાંજે શપથગ્રહણ સમારોહ થશે. શરદ પવારના આ નિવેદન પરથી કઈક તો રંધાતુ હોય તેવું જણાય છે. આગામી સમયમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક જોવા મળે તો નવાઈ નહીં.
