લોકસભાની બેઠકોમાં ભાગલાના મુદ્દે પક્ષોમાં ભાગલા, બિલની હોળી

એનડીએના ‘સ્વાર્થી એજન્ડા’નો આક્ષેપ, સ્ટાલિને બંડ પોકારી સમગ્ર દક્ષિણ રાજ્યોને એક થવા એલાન નવા સીમાંકન મુદ્દે એક સંપથી વિપક્ષોનો વિરોધ આજથી શરૂ થઇ રહેલા સંસદના…

એનડીએના ‘સ્વાર્થી એજન્ડા’નો આક્ષેપ, સ્ટાલિને બંડ પોકારી સમગ્ર દક્ષિણ રાજ્યોને એક થવા એલાન

નવા સીમાંકન મુદ્દે એક સંપથી વિપક્ષોનો વિરોધ

આજથી શરૂ થઇ રહેલા સંસદના વિશેષ સત્રમાં ત્રણ અત્યંત મહત્વાકાંક્ષી બિલો રજુ થવા જઇ રહ્યા છે એની પૂર્વે પાર્લામેન્ટની વિશેષ બેઠકમાં તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પોતાના સાથીદારો સાથે તામીલનાડુ વિધાનસભાના સદનની બહાર સ્ત્રી અનામત સાથે જોડાયેલા ડિલિમિટેશન બિલની નકલને જાહેરમાં આગમાં સળગાવતા સનસનાટી મચી ગઇ હતી. સ્ટાલિને આ સાથે જ સમગ્ર તામિલનાડુમાં કાળા ઝંડા સાથે આ બિલનો વિરોધ કરવાની તેમની પ્રજાને અને અન્ય દક્ષિણના રાજ્યોને હાકલ કરી હતી. નવા સીમાંકન મુદ્દે એક સંપથી વિપક્ષોનો વિરોધ શરૂ થયો છે.

ઉપરોકત નાટયાત્મક ઘટનાના અનુસંધાને એમ.કે. સ્ટાલિને ઉપસ્થિત મીડીયાને કહ્યું હતું કે મહીલા અનામત બિલના ઓથાર હેઠળ કેન્દ્રની એનડીએ સરકાર લોકસભામાં જો ઉતર ભારતીય રાજયોની લોકસભાની બેઠકો ચાલાકીથી વધારી દેશે તો દક્ષિણના તામિલનાડુ સહીતના અનેક રાજયોને અન્યાય થશે અને ટકાવારીની રીતે પણ ભારતીય સંસદમાં દક્ષિણના રાજયોના પ્રતિનિધિઓ અને પ્રતિનિધિત્વ બન્ને ઘટવાનું જોખમ રહેલું છે. સીટ વધારાના એનડીએના મનસુબાઓ જાહેર અને પારદર્શક હોવા જોઇએ તથા કોઇપણ કાનુની આંટીઘુંટી વિના તે અંગેનું બયાન પ્રજા સમક્ષ જાહેરમાં મુકવું જોઇએ.

સ્ટાલિને આ બિલની નકલ સળગાવતી વખતે ધમકી આપી કે જો કેન્દ્ર સરકાર દક્ષિણના રાજયોને લોકસભામાં બેઠકોની સંખ્યાના સંદર્ભમાં કોઇ અન્યાય કરશે તો એમાંથી એક ‘બહુ મોટા’ આંદોલનને વેગ મળશે, માટે કેન્દ્ર સરકારે ભારતના સર્વ રાજયો પ્રત્યે ન્યાયદ્રષ્ટિ જાળવીને બેઠકોની સમતુલા પર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. સ્ટાલિને સ્પષ્ટ કહ્યું કે અમારો વિરોધ મહીલા અનામત સામે નથી, પરંતુ આ બિલના બહાને એનડીએ સરકાર લોકસભાની બેઠકોમાં જે ‘રમત’ કરવાની અમને શંકા છે, માત્ર તેનોજ વિરોધ છે.

આજે બજેટ સત્રના ભાગરૂૂપે પાર્લામેન્ટની વિશેષ બેઠક શરૂૂ થઈ છે. આ બેઠકમાં મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં 33% અનામત આપવા માટેના સંવિધાનિક સુધારા બિલ (131મો સુધારો), ડિલિમિટેશન બિલ 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત કાયદા સુધારા બિલ રજૂ કરવામાં આવ્યા છે.

લોકસભામાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને ગૃહમંત્રી અમિત શાહ આ બિલો રજૂ કરશે. મહિલા અનામત બિલ 2023માં પસાર થયું હતું, પરંતુ તેના અમલ માટે નવા ડિલિમિટેશન વ્યાયામ સાથે જોડાયેલું છે. આજે આ બંને બિલોને સાથે જ પસાર કરવા માટે નિયમ 66ની જોગવાઈઓ સ્થગિત કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ બેઠકને સંબોધતા કહ્યું કે, આજથી શરૂૂ થતી સંસદની વિશેષ બેઠકમાં અમારો દેશ નારી સશક્તિકરણ માટે ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યો છે. અમારી માતાઓ-બહેનોનું સન્માન રાષ્ટ્રનું સન્માન છે.

જો કે, આ બેઠક પહેલાં જ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વિરોધની આગ ભડકાવી દીધી છે. સ્ટાલિને પ્રસ્તાવિત ડિલિમિટેશન બિલની એક નકલને આગ ચાંપીને તેનું પ્રતીકાત્મક દહન કર્યું અને રાજ્યમાં કાળા ઝંડા ફરકાવવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, આ બિલ તમિલનાડુ અને દક્ષિણના રાજ્યો પર ઐતિહાસિક અન્યાય છે. તમિલનાડુના દરેક ઘર, ગલી અને દુકાન પર કાળો ઝંડો લહેરાવો. આ વ્યક્તિગત સંઘર્ષ નથી, આ તમિલનાડુનો સંઘર્ષ છે.

સ્ટાલિને કેન્દ્ર સરકારને ‘ભારે કિંમત’ ચૂકવવાની ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે જો દક્ષિણી રાજ્યોના હિતોને નુકસાન પહોંચશે તો રાજ્યવ્યાપી મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો થશે. તેમણે ડીએમકે સાંસદો અને જિલ્લા સચિવોની ઇમર્જન્સી મીટિંગ પણ બોલાવી હતી અને સંસદમાં વ્યૂહરચના તૈયાર કરી છે.

એકાએક સ્ત્રી અનામતની ઉતાવળ કેમ?
વિરોધ પક્ષો અને ઈન્ડિયા ગઠબંધન પણ આ મુદ્દે સક્રિય બન્યા છે. ડિલિમિટેશનથી ઉત્તરી રાજ્યોને વધુ લોકસભા બેઠકો મળવાની આશંકાથી દક્ષિણી રાજ્યોમાં અસંતોષ વ્યાપેલો છે. સ્ટાલિને કહ્યું કે આ સત્ર તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની ચૂંટણી વચ્ચે ‘જબરદસ્તી’ બોલાવવામાં આવ્યું છે. સ્ટાલિને કહ્યું કે એકાએક સરકારને સ્ત્રી અનામતની ઉતાવળ કેમ થઇ ગઇ? આ વિરોધની અસર સંસદમાં પણ જોવા મળી શકે છે અને આજની બેઠકમાં તીવ્ર વિવાદની સંભાવના છે. વિરોધ પક્ષો ડિલિમિટેશન પ્રક્રિયાની પારદર્શિતા અને સમાનતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *