દેશમાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવાના ‘વન નેશન, વન ઈલેક્શન’ (એક દેશ, એક ચૂંટણી)ના પ્રસ્તાવ પર વિચારણા કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) મંગળવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચી છે. ભાજપના સાંસદ પી. પી. ચૌધરીની અધ્યક્ષતાવાળી આ 41 સભ્યોની સંસદીય સમિતિ બંધારણ (129મું સુધારો) ખરડો અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારો) ખરડાની ઝીણવટભરી ચકાસણી કરી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર આગમન સાથે જ સમિતિના અધ્યક્ષ પી. પી. ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે, એકસાથે ચૂંટણી યોજવાનો આ વિચાર સંપૂર્ણપણે રાષ્ટ્રહિતમાં છે અને તેને દેશની અનેક અગ્રણી સંસ્થાઓ તેમજ કાયદા પંચનું પણ સમર્થન મળ્યું છે.
ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે જ સંસદીય સમિતિએ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) ખાતે રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસની આગેવાની હેઠળ વરિષ્ઠ અમલદારોની ટીમ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના વહીવટી તંત્ર દ્વારા દેશમાં અલગ-અલગ સમયે યોજાતી ચૂંટણીઓના કારણે વહીવટી તંત્ર પર પડતા ભારણ, સુરક્ષા વ્યવસ્થાની કટોકટી અને વારંવાર લાગુ થતી આદર્શ આચારસંહિતાને લીધે વિકાસકામોમાં આવતી અડચણો અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં એવા ઘણા મહત્વના પાસાઓ સામે આવ્યા છે, જે અત્યાર સુધી સમિતિ સમક્ષ આવ્યા નહોતા.
આ કાયદાકીય સુધારા બંધારણના મૂળ માળખા કે ફેડરલ (સમવાયી) તંત્રની વિરુદ્ધ નથી તેની ખાતરી કરવા માટે સમિતિએ દેશના છ પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિઓ અને ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓ સાથે પણ પરામર્શ કર્યો છે. વચગાળામાં સરકાર પડી ભાંગવાના કિસ્સામાં બાકીના સમયગાળા માટે ચૂંટણી યોજવા અંગે રાજકીય પક્ષો સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે તેમ પણ અધ્યક્ષે સ્પષ્ટ કર્યું હતું. ગુજરાત એ આ સમિતિની મુલાકાત લેનારું સાતમું રાજ્ય છે, આ પૂર્વે સમિતિ મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને કર્ણાટકની મુલાકાત લઈ ચૂકી છે. આગામી બે દિવસ દરમિયાન સમિતિ રાજ્યના મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ, બાર કાઉન્સિલના સભ્યો અને નાગરિક સંગઠનો સાથે મુલાકાત કરીને સંસદમાં પોતાનો અહેવાલ રજૂ કરતા પહેલા વ્યાપક જનમત તૈયાર કરશે.
તમામ ચૂંટણી એક સાથે યોજાઈ તો 7 લાખ કરોડ વચશે
પી. પી. ચૌધરીએ પત્રકારો સાથે વાતચીતમાં આ સુધારાના આર્થિક ફાયદાઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જો દેશમાં તમામ ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે તો આશરે રૂૂ. 7 લાખ કરોડની જંગી રકમની બચત થઈ શકે છે. આ બચેલી રકમનો ઉપયોગ દેશના સામાન્ય નાગરિકોના કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર)ના વિકાસ માટે કરી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચૂંટણી સુધારા પ્રક્રિયાની શરૂૂઆત કરી હતી અને પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી. કોવિંદ સમિતિની ભલામણો અનુસાર, લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે યોજાયા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (પંચાયતો અને નગરપાલિકાઓ)ની ચૂંટણીઓ તેના 100 દિવસની અંદર પૂર્ણ કરી લેવી જોઈએ.
