ચારબાગ રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરીને મોટી જાનહાનિ કરવાનું અને રેલવે મિલકતોને નુકસાન પહોંચાડવાનું પાકિસ્તાની હેન્ડલર્સનું ષડયંત્ર ATS એ સમયસર નિષ્ફળ બનાવ્યું છે. આ મામલે મેરઠ અને નોઈડાના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ચારેય આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સીધા પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતા. તેઓ દેશમાં ગમે ત્યાં આગચંપી કે તોડફોડ કરે તેના વીડિયો પાકિસ્તાન મોકલતા હતા અને તેના બદલામાં ચછ કોડ દ્વારા ફંડિંગ (પૈસા) મેળવતા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર નાઈ તરીકે કામ કરતો હતો. પોતાની આ સામાન્ય ઓળખની આડમાં તે દેશ વિરોધી પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતો હતો. પૈસાની લાલચ આપીને તેણે અન્ય યુવાનોને પણ આ કાળા કારોબારમાં જોડ્યા હતા.
ATS ના જણાવ્યા મુજબ, આ ગેંગે ઉત્તર પ્રદેશના અનેક મહત્વના શહેરોની રેકી કરી હતી, જેમાં લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન અને સિગ્નલિંગ સિસ્ટમ તેમજ ગાઝિયાબાદ અને અલીગઢની મહત્વની સરકારી સંસ્થાઓ અને વાહનોનો સમાવેશ થાય છે. વધુમાં એ પણ સામે આવ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર્સ તેમને ગૂગલ લોકેશન મોકલતા હતા, જેના આધારે આ આતંકીઓ હુમલાની તૈયારીઓ કરતા હતા.
આ યાદીમાં મેરઠના 25 વર્ષીય સાકિબ ઉર્ફે ડેવિડ અને 20 વર્ષીય અરબાબ, તેમજ ગૌતમ બુદ્ધ નગરના 27 વર્ષીય વિકાસ ગહલાવત ઉર્ફે રૌનક અને 19 વર્ષીય લોકેશ ઉર્ફે પોપલા પંડિતનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી જ્વલનશીલ પદાર્થનો કેન, 7 સ્માર્ટફોન, 24 દેશ વિરોધી પત્રિકાઓ અને આધાર કાર્ડ જેવા મહત્વના પુરાવાઓ મળી આવ્યા છે. ATSહવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્કના તાર અન્ય કયા રાજ્યો સાથે જોડાયેલા છે.
