રાજ્યની કૃષિ ધિરાણ મંડળીઓનું ઓડિટ કરવા આદેશ

પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ મંડળી દ્વારા મોટા પાયે વ્યવસાયિક પ્રવૃત્તિ શરૂ કરાતા સહકાર રજિસ્ટ્રારનો નિર્ણય સહકારી કાયદામાં થયેલા સુધારા બાદ રાજ્યની પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ…

પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ મંડળી દ્વારા મોટા પાયે વ્યવસાયિક પ્રવૃત્તિ શરૂ કરાતા સહકાર રજિસ્ટ્રારનો નિર્ણય

સહકારી કાયદામાં થયેલા સુધારા બાદ રાજ્યની પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળીઓ (પેક્સ)ના ઇન્સ્પેક્શનમાં એકસૂત્રતા જળવાય અને નાણાકીય મજબૂતાઇ સહિતની બાબતોનો ઇન્સ્પેક્શનમાં સમાવેશ થાય તે સુનિશ્વિત કરવા માટે સહકાર રજિસ્ટ્રારે તૈયાર કરેલા નવા ચેક લીસ્ટ પ્રમાણે મંડળીઓનું ઇન્સ્પેક્શન કરવાનો નિર્ણય લેવાયો છે.

પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળીઓ (પેક્સ) આગામી સમયમાં મોટાપાયે વ્યવસાયિક એકમ બની રહી છે ત્યારે સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર દ્વારા તેની વહીવટી અને આર્થિક સધ્ધરતાની સ્થિતિ તપાસ કરવામાં આવશે.

સહકાર સે સમૃધ્ધિ અંતર્ગત મંડળીઓ હવે એલપીજી ડીલરશીપ, કોમન સર્વિસ સેન્ટર, અનાજ સંગ્રહ પ્રોજેક્ટ, જન ઔષધિ કેન્દ્ર, પેટ્રોલ-ડીઝલ પંપ, નલ સે જલ યોજનાની કામગીરી અને સસ્તા અનાજની દુકાનો વિગેરે પણ ચલાવી શકશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને નાબાર્ડ વચ્ચે થયેલા ત્રિપક્ષીય કરાર મુજબ સહકારી કાયદામાં સુધારા થતા રાજ્ય સહકારી બેન્ક, જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક અને તેની શાખાઓના સતત ઓડિટ બંધ થયા છે ત્યારે ત્રિપક્ષીય ધિરાણ માળખાના ઇન્સ્પેક્શનની જોગવાઇ કરાઇ છે. તેમાં ચાર જિલ્લા રજીસ્ટ્રારની કચેરીઓ દ્વારા કરાતા ઇન્સ્પેક્શનમાં એકસૂત્રતા જળવાય, મંડળીને લગતી તમામ વહીવટી, કાયદાકીય, નાણાકીય બાબતોનો ઇન્સ્પેક્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત સરકારના સહકારીતા મંત્રાલયની પહેલા કારણે પેક્સ મંડળીઓની પ્રવૃતિમાં થયેલા ફેરફારની બાબત પણ ઇન્સ્પેક્શનમાં ચકાસવામાં આવશે. ઇન્સ્પેક્શનમાં મંડળીઓમાં આંતરિક ઓડિટરની નિમણૂક કરાઇ હોય તો ક્યાં સુધી ઓડિટ થયેલું છે અને તે પ્રમાણે સુધારાના પગલા લેવાયા છે કે નહીં તે જોવાશે. મંડળીના નફા-નુકસાન, થાપણો, મંડળીમાં કોઇ નાણાકીય ઉચાપત થયેલી છે કે નહીં અને તેમાં કર્મચારીઓ સંડોવાયેલા છે કે નહીં તેની પણ માહિતી મેળવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *