વિપક્ષી સાંસદોએ રામ મંદિરના દાનમાં થયેલી રકમની ઉચાપત, રાષ્ટ્રીય રાજધાનીમાં 20 જુલાઈના રોજ સંસદ કૂચ દરમિયાન વિરોધીઓ પર પોલીસ કાર્યવાહી સહિતના અનેક મુદ્દાઓ પર સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શનો કર્યા, જયારે ડીએમકેના સાંસદોએ કાવેરીના પાણી મુદ્દે સંસદ બહાર પ્રદર્શન કર્યું હતું.
ગૃહ દ્વારા જારી કરાયેલ સુધારેલી કામકાજની યાદી અનુસાર, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કરવેરા અને અન્ય કાયદા (સુધારા) બિલ, 2026 રજૂ કરવાના છે. જો કે એ પહેલા વિપક્ષી ધાંધલધમાલના પગલે લોકસભા બપોરે બે વાગ્યા સુધી મુલત્વી રખાઇ હતી.
રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, અમે ઇચ્છીએ છીએ કે સ્પીકર (લોકસભા) અને અધ્યક્ષ (રાજ્યસભા) બંને ગૃહોમાં ચર્ચા માટે પરવાનગી આપે. ચર્ચા શરૂૂ થયા પછી, બધી હકીકતો બહાર આવશે. અમે ફક્ત ચર્ચા માટે વિનંતી કરી રહ્યા છીએ, પછી ભલે તે રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર હોય કે વિદ્યાર્થીઓ પર અન્યાય અને અત્યાચાર તેમણે વડાપ્રધાનના જવાબનો આગ્રહ રાખ્યો હતો. ખડગેએ પુછયું કે સીબીઆઇ અને ઇડી કયાં છે? જવાબમાં સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજજ્જુએ વિપક્ષ પર મગરના આંસુ સારવાનો આરોપ મુકી જણાવ્યું હતું કે કોંગ્રેસ અને સપા ભગવાન રામના મંદિરનો વિરોધ કરતા હતા. પહેલા ભગવાન રામનું અપમાન કરવા બદલ રાષ્ટ્રની માફી માંગો.
વડાપ્રધાન મોદીનો વીડિયો બ્લોક કરવા મામલે ઝુકરબર્ગ માફી માગે: દુબે
સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ કહ્યું કે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફેસબુક વિડિઓને કામચલાઉ દૂર કરવા બદલ વ્યક્તિગત રીતે માફી માંગવી જોઈએ, ચેતવણી આપી હતી કે જો તે આમ કરવામાં નિષ્ફળ જાય તો સોશિયલ મીડિયા જાયન્ટ તેનું સલામત બંદર રક્ષણ ગુમાવી શકે છે. દુબેની ટિપ્પણી મેટાએ સંસદીય પેનલ સમક્ષ માફી માંગ્યા બાદ આવી, જેમાં કહ્યું કે પીએમ મોદીનો વિડિઓ ભૂલને કારણે દૂર કરવામાં આવ્યો હતો. જોકે, સમિતિના સભ્યોએ કહ્યું કે આ મુદ્દો માફી માંગવાથી આગળ વધી ગયો છે અને ઘટના માટે જવાબદારીની માંગ કરી છે.
