કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે (01 માર્ચ, 2025) દિલ્હીમાં મણિપુરની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તેમજ સેના અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. બેઠકમાં મણિપુરની અંદર સામાન્ય સ્થિતિ લાવવા અને ગેરકાયદેસર હથિયારોના શરણાગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ આ પ્રથમ સમીક્ષા બેઠક હતી. અમિત શાહે સૂચના આપી હતી કે મણિપુરના તમામ બંધ રસ્તા 8 માર્ચથી ખોલવામાં આવે. જો કોઈપણ પ્રકારની દખલગીરી હશે તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મણિપુરમાં લગભગ બે વર્ષથી વ્યાપક હિંસા જોવા મળી રહી છે, જેમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે.
ગૃહ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મણિપુરને ડ્રગ-મુક્ત બનાવવા માટે, ડ્રગના વેપાર સાથે સંકળાયેલા સમગ્ર નેટવર્કનો નાશ કરવો જોઈએ.” સૂત્રોએ જણાવ્યું કે, “ગૃહમંત્રીએ મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની એકંદર પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.” એન. બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યાના થોડા દિવસો બાદ પૂર્વોત્તર રાજ્યમાં રાજકીય અનિશ્ચિતતા સર્જાઈ હતી. આ પછી, કેન્દ્રએ 13 ફેબ્રુઆરીએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું.