અન્ય દોરાનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી થશે: છાત્રો માટે ગાઇડલાઇન જાહેર કરાઇ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને શું તકેદારી રાખવી તે અંગેની સૂચનાઓ અપાઈ છે. જેમાં ઉત્તરવહી સાથે પુરવણી બાંધવા માટે સફેદ મીણના દોરાનો જ ઉપયોગ કરવાનો રહેશે. જો વિદ્યાર્થી અન્ય કોઈ દોરાનો ઉપયોગ કરશે તો તેને ગેરરીતિ ગણી વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ઉત્તરવહીમાં કોઈ પણ નંબર કે નિશાની લખવાની રહેશે નહીં, તથા ઉત્તરવહીમાં જવાબો લખવા માટે માત્ર વાદળી-ભુરા રંગની પેનનો જ ઉપયોગ કરવાનો રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી લેવામાં આવનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને માટે સૂચનાઓ જાહેર કરાઈ છે. જેમાં જણાવાયું છે કે, વિદ્યાર્થીઓએ ઉત્તરવહી કે પુરવણીના કોઈ પણ પાના પર પોતાની ઓળખ પ્રગટ થાય તે પ્રકારના નંબર કે નિશાની જેમાં દેવી – દેવતાના નામ કે કોઈ પણ ધાર્મિક ચિન્હો સહિત લખાણ કરવાનું રહેશે નહીં. વિદ્યાર્થીઓએ પરીક્ષાનો સમય પૂર્ણ થવાના દસ મિનિટ પહેલા મુખ્ય ઉત્તરવહી તથા પુરવણી પર ખાખી સ્ટિકર નિયત જગ્યાએ ચોંટાડવાનું રહેશે.
ઉત્તરવહી કે પુરવણીના કોઈ પણ ભાગમાં લખાણ કરતી વખતે વાદળી- ભુરા રંગની શાહી- બોલપેન સિવાય અન્ય કોઈ પણ રંગની બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. જવાબના મથાળા- પેટા મથાળાની નીચે લીટી દોરવા માટે અન્ય કોઈ પણ રંગની શાહીનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. ઉત્તરવહીના પ્રત્યેક પાનાની બંને બાજુએ લખાણ કરવાનું રહેશે. પ્રશ્નોના ઉત્તરો પણ વિભાગવાર લખવાના રહેશે. વિભાગ બદલાય ત્યારે ઉત્તરો નવા પાના પરથી શરૂૂ કરવાના રહેશે.
વિદ્યાર્થીઓએ જો પુરવણીનો ઉપયોગ કર્યો હતો તો બોર્ડ દ્વારા આપવામાં આવેલા સફેદ મીણના દોરાનો જ પુરવણી બાંધવા ઉપયોગ કરવાનો રહેશે. અન્ય કોઈ દોરાનો ઉપયોગ પુરવણી બાંધવા માટે થયેલો હશો તો તે બાબતને ગેરરીતિ ગણી કાર્યવાહી કરવામાં આવશે. આમ, શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહીને લઈને વિગતો જાહેર કરી તેનું પાલન કરવા માટે સૂચના આપી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે.
